પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાથીને પ્રોત્સાહિત કરતાં ઉંધાડ
“પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહની નિમિત્તે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં ભારત સરકાર શરૂ કરવામાં આવેલી આદર્શ અને પ્રભાવશાળી સુશાસન માટે નર્મદા જિલ્લાના આરોગ્ય, આયોજન અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસિસ (Good Governance Practices) અને ઇનિશિએટિવ વિશે વર્કશોપમાં ઝીણવટપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. કટારિયાના સંકલનમાં આયોજિત વર્કશોપમાં કલેક્ટર મોદીએ પીપીટી મારફતે ત્રણેય વિભાગની થયેલી કામગીરીમાં પારદર્શિતા, જવાબદારીઓ, પરિણામો, વિશ્વસનિયતાની ખાતરી કરીને સંબંધિત લાભાર્થીઓ પાસેથી પણ તેમના અનુભવો વિશે જાણકારી મેળવી હતી. આ સપ્તાહની ઉજવણીનો ઉદ્દેશ્ય સરકારી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ વધારવી અને લોકોના રોજિંદા જીવનમાં અધિકારીકતાઓની શ્રેષ્ઠતા અને પારદર્શિતા લાવવી છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડે પણ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન, આવક, વેચાણ અને ગુણવત્તામાં થયેલા વધારાને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલી માહિતી, કામગીરી, ઉપલબ્ધીઓ બદલ પ્રશંસા કરી હતી.
આ વર્કશોપનો મુખ્ય હેતુ પ્રજાહિતની કાર્યપ્રણાલીઓને સુનિશ્ચિત કરવા, તેમને લગતા સુધારાઓને પ્રોત્સાહન આપવાનો અને જાહેર સેવાનો પ્રભાવશાળી અને જવાબદાર રીતે પ્રદર્શન કરાવવાનો છે. આ વર્કશોપમાં મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શિનોરા, જિલ્લા આયોજન અધિકારી સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ હાજર રહ્યાં હતા.