ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ, પશુપાલન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન દ્વારા એક સાથે મળીને સતત બચાવ અને સારવારની કામગીરી કરવામાં આવી છે. જેમાં તારીખ ૧૦ જાન્યુઆરીથી તારીખ ૧૪ જાન્યુઆરી દરમિયાન ૪૮ ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાંથી ૪૫ પક્ષીઓને સારવાર કરી બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.
ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં વન વિભાગના ૮ કંટ્રોલરૂમ અને પશુપાલન વિભાગના ૧૦ સારવાર કેન્દ્રો સ્થાપવામાં આપવામાં આવ્યા હતા તથા અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાઈ હતી. પતંગની દોરી પક્ષીઓ માટે ઘાતક સાબિત થઈ રહે છે, આ વાતનો પુરાવો પક્ષીઓ ઉત્તરાયણના દિવસે ઘાયલ થયા તેના આંકડા પરથી મળે છે.
એક જ દિવસમાં ૪૩ પક્ષીઓ ઘાયલ થયા જેમાંથી ૩ મૃત્યુ પામ્યા હતા. આ પક્ષીઓમાં કાળી સમડી જેવા શિકારી પક્ષીનો પણ સમાવેશ થાય છે કે જે અન્ય પક્ષીઓનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે. હવે એમાં તે માજાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવવાથી તેના શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થવાની શક્યતા વધુ રહે છે. આપણું રાષ્ટ્રીય પંખી મોર પણ પતંગની દોરીનું શિકાર બન્યો, પરંતુ વન વિભાગની તાત્કાલિક સારવાર અને તકેદારીના લીધે અંતે બચાવી લેવામાં આવેલ હતો. ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ-નડીયાદે આ પર્વ દરમિયાન પક્ષી બચાવ માટે ખડે પગે રહીને ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડેલ છે.