નડિયાદમાં સેવા, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન સંતરામ મંદિર સમગ્ર ગુજરાતનું નાક છે. ત્યારે મહાસુદ પૂનમ માઘી પૂનમની દિવ્ય ઉજવણી કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના સંતરામ મંદિરમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 194મા સમાધિ મહોત્સવની ઉજવણી દરમિયાન દિવ્ય જ્યોત સામે નતમસ્તક થતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડેલ. પરંપરાગત રીતે ઓમ નાદ કર્યા બાદ સાકર વર્ષા શરૂ કરવામાં આવી હતી. સાંજે 6.50ના અરસામાં સંતોની ઉપસ્થિતિમાં સતત 10 મિનિટ સુધી 500 કિલો કોપરૂ અને 3 હજાર કિલો સાકરની ઉછામણી કરાઈ હતી.
આ પ્રસંગે ‘જય મહારાજ’ની ધૂન કરી, દિવ્ય અખંડ જ્યોત સમક્ષ નતમસ્તક થતાં જોવા મળ્યા હતા. સાકરવર્ષાનો સમય સાંજે હતો. જેમ જેમ આ સમય નજીક આવતા તેમ તેમ ખાલી દેખાતાં મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓની ભીડ જામવા લાગી હતી અને સમી સાંજે મંદિર પરિસરમાં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી.