પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પૂજ્ય મહારાજની 141’મી જન્મજયંતી નિમિત્તે એક વિશાળ વિચાર પદયાત્રાનું આયોજન આગામી તારીખ-25 ફેબ્રુઆરી’2025ના રોજ સવારે 9:00 કલાકે ખાત્રજ ચોકડી અર્થાત્-પંચવટી ખાતે આવેલી તેઓની વિશાળ પ્રતિમા ને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવીને કરાશે.હજારોની સંખ્યામાં નવયુવાનો અને મહિલાઓ આ યાત્રામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાવવા માટે આવશે.સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણના વડપણ હેઠળ કરવામાં આવ્યું છે.આ યાત્રા ખાત્રજ પંચવટીથી આરંભાઇને સરસવણી સુધી જશે.રસ્તામાં ગ્રામજનો દ્વારા આ પદયાત્રીકોનું વિવિધ પ્રકારે સન્માન કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં જેઓનું નામ ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’તરીકે લેવાઇ રહ્યું છે તેવા પૂજ્ય રવિશંકર મહારાજે સમગ્ર દેશને ‘ઘસાઈને ઉજળા થઈએ’ અને ‘બીજાના ખપમાં આવીએ’ તે સૂત્ર આપ્યું હતું.જેના પરિણામે પૂજ્ય રવિશંકર મહારાજ તત્કાલીન સમયે ભારે અરાજકતા-અંધાધુંધીના સમયમાં પણ એક ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’ તરીકે ઉપસી આવ્યા હતા. તેઓએ કેટલાય બહારવટિયાઓને બંધુકો છોડાવીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડી દીધા હતા.તેઓની આ પ્રવૃત્તિના કારણે જ તેઓ મહારાજના નામથી સુવિખ્યાત બન્યા હતા.જન્મે તેઓ બ્રાહ્મણ હતા.તેઓના માનમાં ગુજરાત વિધાનસભાના અંદરના ગૃહનું નામ ‘પૂજ્ય રવિશંકર મહારાજ ગૃહ’ તેમ આપવામાં આવેલ છે.આ પૂ. રવિશંકર મહારાજ એ પોતે એક પોતાની ગીતા પણ લખી હતી.ખૂબ જ સરળ ભાષામાં લખાયેલી આ ગીતા આજે પણ નાના નાના ગામોમાં કેવી રીતે જીવન જીવવું અને કેવી રીતે ધર્મની સાથે જોડાઈને રહેવું તેનો મર્મ સમજાવી રહી છે જે ગામડાઓમાં આજે પણ ગવાય અને વંચાય છે તે જ રવિશંકર મહારાજની અલૌકિક પ્રજા પ્રત્યેની લાગણીને વ્યક્ત કરે છે. ત્યારે..આવો.. આ પૂ.મહારાજની 141’મી જન્મ જયંતીનો લ્હાવો લેવા માટે અબાલવૃધ્ધ સૌને પદયાત્રામાં જોડાવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે અને જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર બ્રિજેશકુમાર, વિપુલભાઈ કે. ઠક્કર(શકિત પ્લાયવુડ)ભુપેન્દ્રસિંહ ચૌહાણ અને યોગેશભાઈ પટેલ (લાટવાળા)ઓ ભારે જેમ ઉઠાવી રહ્યા છે.