ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ્થાનો જુદા-જુદા દેવી-દેવતાઓને સમર્પિત છે. આ યાત્રામાં મોટાભાગે ટ્રેકિંગ કરવાનો સમાવેશ થાય છે. એટલે કે આ યાત્રાઓમાં ચાલવું વધારે પડે છે. વર્ષ 2025માં 30 એપ્રિલથી ચારધામની યાત્રા શરૂ થશે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા પર જાય છે, જેથી તેઓ આધ્યાત્મિક શાંતિ મેળવી શકે અને સાથે જ ભગવાનના આશીર્વાદ મેળવી શકે.
ચાર ધામ યાત્રા ફક્ત શ્રદ્ધા સાથે જોડાયેલી નથી, પરંતુ તેમાં ઘણા શારીરિક અને માનસિક પડકારો પણ સામેલ છે. ઘણી વખત મુશ્કેલ પહાડી રસ્તાઓ, હવામાન અને ઊંચાઈ પર જવાને કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં ચાર ધામ યાત્રા પર જવું હોય, તો કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અને રજિસ્ટ્રેશન – ઉત્તરાખંડ સરકાર દ્વારા ચાર ધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન વગર યાત્રા કરવાની મંજૂરી નથી. રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકાય છે. ઉપરાંત, આધાર કાર્ડ, યાત્રા પરમિટ, મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય ઓળખ કાર્ડ સાથે રાખો.
હેલ્થ ચેકઅપ – ચારધામ યાત્રામાં, મોટાભાગના સ્થળોએ ઊંચાઈ 10,000 ફૂટથી વધુ હોય છે, જેના કારણે ઘણા લોકો હાઈ એલ્ટિટ્યુડ સિકનેસ (ઊંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ), શરદી સંબંધિત સમસ્યાઓ અને થાક લાગી શકે છે. તેથી, યાત્રા કરતા પહેલા, ડૉક્ટર પાસેથી હેલ્થ ચેકઅપ કરાવો, ખાસ કરીને જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા અથવા હૃદય સંબંધિત કોઈપણ સમસ્યા હોય.
યોગ્ય કપડાં અને એસેસરીઝ – ચારધામની યાત્રામાં ઠંડી અને હિમવર્ષા થાય છે, તેથી હવામાન અનુસાર કપડાં અને વસ્તુઓ સાથે રાખવી. જેમાં ગરમ કપડાં, વોટરપ્રૂફ જેકેટ અને રેઈનકોટ, હાઈ ગ્રીપ શૂઝ (લાંબી મુસાફરી અને ટ્રેકિંગ માટે), સનગ્લાસ અને સનસ્ક્રીન અને ફર્સ્ટ એઇડ કીટનો સમાવેશ થાય છે.
ખાવા-પીવાનું ધ્યાન રાખો – ઊંચાઈ અને ઠંડીને કારણે, લોકો ઘણીવાર ઉબકા, ચક્કર અને નબળાઈ અનુભવે છે. તેથી, ખાવાપીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હળવો અને સરળતાથી પચી જાય તેઓ ખોરાક ખાઓ. શક્ય તેટલું વધુ પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટેડ રહે. ચા અને કોફીને બદલે સૂપ અને હર્બલ ટી પીઓ. એનર્જી જળવાઈ રહે એ માટે ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટ સાથે રાખો.
હવામાન અને યાત્રાની અપડેટ્સ લેતા રહો – ઉત્તરાખંડનું હવામાન ખૂબ જ ઝડપથી બદલાય છે, તેથી યાત્રા કરતા પહેલા હવામાન વિશે માહિતી મેળવતા રહો. આ માટે, ઉત્તરાખંડ સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા સમાચાર અપડેટ્સ પર નજર રાખો.