સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. મધ્યગીરના આ ક્ષેત્રમાં પ્રકૃતિએ ચારે તરફ સૌદર્ય વેર્યુ છે.. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વૃક્ષોના પારણે મંદમંદ સમીર બાણગંગેશ્વર મહાદેવને ઝુલાવી રહ્યો છે. આધુનિક યુગના કોઇપણ દૂષણ અહીં સુધી આવ્યા નથી. પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય તેવા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના ગીર જંગલ મધ્યે આવેલું બાણેજ મંદિર આશરે 5 હજાર વર્ષ જૂનું હોવાની લોકવાયકા છે.
બાણેજ, છોડવડીથી આઠ કિલોમીટરના અંતરે જંગલ મધ્યે આવેલું છે. ચારે બાજુ માત્ર જંગલ જ જંગલ. અહીંનું વાતાવરણ પણ આહલાદક છે. માનવવસતી જોવા ટેવાયેલી આંખોને બાણેજમાં ડુંગરા, ગિરિમાળાઓ, નદી, ગીચ વૃક્ષરાજી તથા કિલકિલાટ કરતા પંખીઓ નિહાળવા મળે. સાંજ ઢળે તે પહોર થાય ત્યાં સુઘી સિંહ-દીપડાની ત્રાડોથી વિસ્તાર ગાજતો હોય છે ત્યારે પ્રકૃતિના આનંદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો અહીં ત્રિવેણી સંગમ રચાય છે. શિવભક્તો બાણગંગેશ્વર મહાદેવની પૂજા, આરતી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગીર મધ્યે આવેલા બાણેજનું બાણગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે. પાંચ હજાર વર્ષ પહેલાના આ મંદિરનો સ્કન્ધ પુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં વન વિચરણ કરતા હતા ત્યારે માતા કુંતીને આ જગ્યા પર તરસ લાગી હતી. અને આસપાસ ક્યાંય પાણી નહોતું એટલે અર્જુને ધરતી પર બાણ મારી પાતાળમાંથી ગંગાજીને પ્રગટ કર્યા હતા. જે આજે પણ અહીં વહી રહ્યા છે. અહીં પાંડવોએ શિવજીની પ્રતિષ્ઠા કરી હતી. અને બાણ વડે ગંગાજી પ્રગટ્યા એટલે મહાદેવજી બાણ ગંગેશ્વર તરીકે ઓળખાય છે.
અહીં દર્શન કરવાથી અનેક પ્રકારે પુણ્યબળ મળે છે. દર્શનાર્થી પર મહાદેવજીની અસીમ કૃપા રહે છે. સેંકડો ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. જમદગ્નિ આશ્રમના સંત સરસ્વતીદાસજી જામવાળા ગયા તે પહેલાં ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા હતા. સ્થળની શાંતિ, પવિત્રતા અને રમણીયતા મનને સ્પર્શી ગઇ એટલે તેમણે જંગલની વચ્ચે આસન ભીડ્યું. અને એક મઢુલી બાંધી ઇશ્વર ભક્તિમાં લીન રહેતા. આજુબાજુના નેસના માલઘારીઓ દૂધ આપી જાય તે પી લે. આ રીતે 22 વર્ષ સરસ્વતીદાસજીએ અહીં ગાળ્યા. ડુંગર ઉપર મઢુલી અને નીચે કુંડ ઉપર ઝૂંપડી. આ બે તેમના નિવાસ સ્થાન. જ્યાં દિવસે જતાં પણ ડર લાગે અને સાંજે ચાર પછી સૂરજનાં કિરણો પહોંચી ન શકે તેવી ગીચ વનરાજીની વચ્ચે ધીમેઘીમે સરસ્વતીદાસજીનું તપ ખીલતું થયું. ત્યારથી અહીં તેમના ગુરુ શિષ્ય પરંપરા મુજબના સંતો રહે છે.
ગીર મધ્યે સૂર્યના ઉદય સાથે ઈશ્વરની આરતી અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને પવિત્ર મધુર આભાથી ભરી દે છે. પાણીનો વિપુલ જથ્થો અને પ્રાકૃતિક રમણીયતાને ધ્યાનમાં લઇ બાણેજ આધ્યાત્મિક માર્ગના સાધકો માટે આદર્શ સ્થળ છે. બાણેજ શંકરનુ નિવાસસ્થાન છે. તેમ સિંહ-દીપડાનું પણ રહેઠાણ છે. રાતના સમયે મંદિરની પરસાળમાં સિંહ જોવા મળે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે.
બાણગંગેશ્વરથી જામવાળા 24, તુલસીશ્યામ 35, ધારી 45, વિસાવદર 50, કનકાઇ 21, અને ગીરકાંઠાનું દલખાણિયા 30 કિલોમીટરને અંતરે છે. બાણગંગેશ્વર મહાદેવના દર્શન માટે અહીં આવવા કોડીનારથી જામવાળા, સોમનાથથી જામવાળા અને અમરેલીથી દલખાણીયા થઈ છોડવડી ચેકપોસ્ટ ખાતે પહોંચવું જરૂરી છે. જૂનાગઢથી વિસાવદર, સતાધાર, કનકાઈ થઈને છોડવડીથી બાણેજ પહોંચી શકાય છે. બાણેજ ભારતનું એકમાત્ર એવુ મતદાન મથક છે જ્યાં ફક્ત એક મતદાર છે. જેને લઈ તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.