કાલોલ તાલુકાના સણસોલી ગામે હનુમાનજીનું અદભુત અલૌકીક મંદિર આવેલુ છે. આ મંદિરની ગાથા રોચક છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ આરામની મુદ્રામાં બિરાજમાન છે. હજારો વર્ષોથી આ મૂર્તિનો મહિમા અપરંપાર છે. લોકવાયકા પ્રમાણે ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજીએ તેમના માર્ગમાં પોતાની પૂંછ આડી કરી દીધી હતી. કાલોલ તાલુકાના છેવાડે આવેલા સણસોલી ગામે હનુમાનજીદાદા બિરાજમાન છે. લોકમાન્યતા અનુસાર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. કાલોલથી 12 કિલોમીટરના અંતરે આવેલા હનુમાનજીના મંદિર આસપાસ હંમેશા શાંત વાતાવરણ પથરાયેલુ હોય છે. દાદા સણસોલી ગામે બિરાજમાન છે એટલે સણસોલી હનુમાન નામથી પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળથી સ્થિત દાદાના મંદિરે અદભૂત નજારો જોવા મળે છે. ગામની નજીક મેસરી નદી પસાર થાય છે. સણસોલી ગામે આવેલા દાદાના આ પૌરાણિક મંદિરની અનેક વિશિષ્ટતા છે. મહાભારત કાળ સમયે આ વિસ્તાર ઘનઘોર જંગલમાં પથરાયેલો હતો. અને તે વિસ્તાર હેડંબાવન તરીકે ઓળખાતો હતો. હનુમાનદાદા અંદાજે 5000 વર્ષ પહેલાં અહિં બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે.
કાલોલના સણસોલી ગામે હનુમાનજીનું મંદિર
ભક્તો મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે
વર્ષોથી હનુમાનજીના મંદિરે ભાવિકો દૂરદૂરથી દર્શન કરવા આવે છે. જેમાં દર શનિવારે મંદિર ભાવિકોની ભીડથી ઉભરાય છે. દાદાના શરણે ભક્તો રાજ્યના દરેક ખૂણેથી અને વિદેશમાંથી પણ મંદિરે આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે. ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ થતા હનુમાનજીને તેલ ચડાવે છે. સણસોલી હનુમાન મંદિરમાં અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન મહંત પુરણદાસજી મથુરદાસજીએ સંવત 2028માં મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો ત્યારે અંગ્રેજોએ પણ તેમને લખાણ આપ્યું હતું કે આ મંદિર તેમના શાસન દરમ્યાન મંદિરનો પરિવાર જ સાચવે. સણસોલી ગામના સણસોલી હનુમાનજી મંદિરની પાછળ વર્ષો પહેલા એક ગુફા હતી જે ગુફા મેસરી નદીના પટ્ટ સુધી જતી હતી. નદીમાં કૃષ્ણ કુંડી અને કાબરીયો ધરો પણ આવેલા હતા પણ સમય જતાં આ બંને નદીના પટ્ટમાં પુરાઈને લુપ્ત થઈ ગયા.