પહલગામમાં આતંકી હુમલો થયા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન માટે જીવાદોરી સમાન છે પરંતુ પાણી લેવું અને લોહી વહેવડાવવું એ બંને એક સાથે બની શકશે નહી એવો સ્પષ્ટ મેસેજ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે. ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાનમાંથી વહેતી નદીઓના પાણીની વહેંચણી થઇ હતી જેમાં સિંધુ,ઝેલમ અને ચિનાબ નદીના પાણીની ફાળવણી પાકિસ્તાન માટે થઇ હતી. જયારે રાવી, સતલજ અને બિયાસનું પાણી ભારતને મળે છે.
ભારત પાકિસ્તાન તરફ જતી નદીઓના પાણીનો ઉપયોગ કરી શકે છે પરંતુ તેને રોકી શકતુ ન હતું પરંતુ સિંધુ જળ સમજુતી અટકાવી દેતા હવે પાકિસ્તાનને પાણી આપવા બંધાયેલું નથી. તમામ નદીઓ હિમાલય અને તિબેટ વિસ્તારમાંથી નિકળીને ઉપરવાસમાં વહીને પાકિસ્તાન તરફ વહેણ ધરાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ભારતે નદીઓના પાણી રોકવા માટે જળાશયોની ભંડારણ ક્ષમતા વધારવા પર કામ શરુ કર્યુ છે.
ભારતની સરકારી કંપની એનએચપીસી અને જમ્મુ કાશ્મીર પ્રદેશ સરકારના અધિકારીઓએ બે હાઇડ્રો વિધુત પરિયોજનાના જળાશયોમાં ફલશિંગ પ્રક્રિયા શરુ કરી છે.આ દરમિયાન જળાશયોની નીચે બેસી ગયેલા કાદવ અને માટીને હટાવીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે. રોઇટર્સના સુત્રો મુજબ આ કામ સલાલ અને બગલિહાર હાઇડ્રો વીજળી પરિયોજનામાં થઇ રહયું છે.
આ પરિયોજના ૧૯૮૭ અને ૨૦૦૮-૨૦૦૯માં શરુ થયું હતું. એવું માનવામાં આવે છે કે આ કાર્ય સિંધુ જળ સંધીના કારણે થતું ન હતું પરંતુ જળ સમજુતી સ્થિગત થતા હવે પાકિસ્તાનને જાણ કરવા માટે બંધાયેલું નથી. આ કાર્યથી વીજળી ઉત્પાદનમાં મદદ મળશે એટલું જ નહી ટર્બાઇનોને ભારે નુકસાનથી બચાવવામાં મદદ મળશે. સૂત્રોનો હવાલો આપીને એમ પણ જણાવવામાં આવ્યું છે કે સફાઇ માટે એડજ્સ્ટેબવ દરવાજાઓ ખોલવામાં આવશે. આ કામગીરીનો ઉદ્દેશ બંધ પરિચાલન સાથે જોડાયેલા અવરોધોને દૂર કરવાનો છે.