બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ”ના ભાગરૂપે નાગરિક સંરક્ષણ (Civil Defence) વિષયક જાગૃતિ અને તૈયારી વધારવાના હેતુસર મોક ડ્રીલનું આયોજન કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલ નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુબોધ માનકર દ્વારા આપત્તિના સમયે શું શું તકેદારી રાખવી તે અંગે ઉપસ્થિતોને માર્ગદર્શિત કરાયા હતા.
આ ડ્રીલમાં તાત્કાલિક પ્રતિસાદ આપતા વિભાગો જેમ કે પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, સ્થાનિક તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સહભાગી બનીને આપત્તિ સમયે શક્ય તેટલી ઝડપી અને અસરકારક કામગીરી કેવી રીતે થાય તે અંગેનું પ્રદર્શન કર્યું હતું. આ મોક ડ્રીલ થકી સરહદી વિસ્તાર જેવી સંવેદનશીલ સ્થળો પર આપત્તિના સમયે નાગરિકો અને સુરક્ષા દળોની સંકલિત કામગીરી થકી બચાવ – રાહત અંગે માર્ગદર્શન અપાયું હતું.
મોક ડ્રીલ સમયે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, સુઈગામ પ્રાંત અધિકારી એ.એન.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી વંદનાબેન દેસાઈ, ૮ બટાલિયનના જગદીશ સરન, મહંમદ અફતાબ સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સરહદી વિસ્તારના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.