ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ શનિવારે વિશ્વ ગીધ દિવસ (World Vulture Day)ની ઉજવણી થતી હોય છે, પરંતુ આ ઉજવણી ગીધની અતિશય ઘટતી વસ્તીને કારણે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પરિસ્થિતિ વધુ ગંભીર છે. 2022માં યોજાયેલી ગીધ ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં 999 ગીધ જોવા મળ્યા હતા, જેમાંથી 84 ગીધ સુરેન્દ્રનગર જિલ્લામાં હતા. હવે તાજા અંદાજ મુજબ આ સંખ્યા ઘટીને માત્ર 32 થી 35 વચ્ચે સીમિત થઈ ગઈ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે આગામી સમયમાં ગીધનું અસ્તિત્વ અહીંથી લુપ્ત થવાની કગાર પર પહોંચી શકે છે.
ગીધો કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. તેઓ મૃત પશુઓના અવશેષનો ભક્ષણ કરી પર્યાવરણને સ્વચ્છ રાખે છે અને જીવલેણ રોગચાળો ફેલાવતા જીવાણુઓનો નાશ કરે છે. છતાં, છેલ્લા બે દાયકામાં તેમની વસ્તીમાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ પશુઓમાં વપરાતી દવા ‘ડાયક્લોફેનાક સોડિયમ’ છે. આ દવા પશુઓને આપ્યા બાદ તેઓના મૃત્યુ પછી તેમનું માંસ ગીધોએ ખાધું તો તેના કારણે ગીધોના કિડની પર પ્રતિકૂળ અસર થતી હતી, જેના પરિણામે મોટા પાયે તેમની મૌત થઈ.
સુરેન્દ્રનગરના ઝાલાવાડ વિસ્તારમાં ગીધની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. અહીં કુલ 8માંથી 6 પ્રજાતિઓ નોંધાયેલી છે, જેમાં હિમાલયન ગ્રીફોન, યુરેશિયન ગ્રીફોન અને સિનિરીઅસ વલ્ચર જેવી યાયાવર (માઈગ્રેટરી) પ્રજાતિઓ છે, જે વર્ષમાં માત્ર બે મહિના માટે જ ગુજરાતમાં આવે છે. આ ઉપરાંત, સફેદ પીઠવાળો ગીધ, ઇજિપ્શિયન વલ્ચર અને અત્યંત દુર્લભ ગણાતો કિંગ વલ્ચર (રાજ ગીધ) પણ અહીં જોવા મળે છે. આ વિવિધતાને જાળવી રાખવી પર્યાવરણીય સંતુલન માટે અત્યંત જરૂરી છે.
ગીધોની સંખ્યામાં ઘટાડાનો એક અન્ય મોટો કારણ તેમનું રહેઠાણ ગુમાવવું છે. ગીધ સામાન્ય રીતે ઊંચા વૃક્ષો પર માળા બાંધે છે, પરંતુ શહેરીકરણ, ખેતી માટે જમીનનો બેહિસાબ ઉપયોગ અને વૃક્ષોના આડેધડ નિકંદનને કારણે તેમને યોગ્ય સ્થળો મળતા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ભારદ, અખિયાણા, પીપળી, રાજચરાડી અને મેથાણ જેવા ગામોમાં હજી પણ ગીધની વસાહતો જોવા મળે છે. વર્ષ 2016માં પાટડી તાલુકાના અખિયાણા ગામમાં 65 ગીધોની નોંધ લેવાઈ હતી, પરંતુ ત્યાર બાદ આ સંખ્યામાં સતત ઘટાડો થયો છે, જે ચેતવણીરૂપ છે.
સંરક્ષણ માટે વન વિભાગ અને પર્યાવરણવિદો સતત પ્રયાસ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યની ટીમ ગીધના માળા, તેમની સંખ્યા અને ખોરાકની ઉપલબ્ધતાની વિગતવાર માહિતી એકઠી કરી રહી છે. ઉપરાંત, સ્થાનિક ગામોમાં જઈને લોકજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી લોકો ગીધના મહત્ત્વને સમજી શકે. પર્યાવરણપ્રેમીઓ પણ સંસ્થાઓ સાથે મળીને ગીધોને બચાવવા માટે અલગ-અલગ પહેલ કરી રહ્યા છે.
ગીધનું અસ્તિત્વ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વપૂર્ણ છે. રામાયણમાં જટાયુ રૂપે ગીધનો ઉલ્લેખ થયો છે, જે સત્ય, શૌર્ય અને ત્યાગનું પ્રતિક છે. આથી ગીધને બચાવવું એ ભારતીય સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાનું કાર્ય પણ છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં કુદરતના આ મહત્ત્વના સફાઈ કામદારને માત્ર પુસ્તકો અને કથાઓમાં જ જોવા મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel