ખેડા જિલ્લામાં ગૌવંશ કતલ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેવાલિયાના અંગાડી વિસ્તારમાં ગુપ્ત રીતે ચાલતા ગેરકાયદે કતલખાનાં પર પોલીસે ઓચિંતી રેડ કરી ભારે માત્રામાં ગૌમાંસ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને પશુ ક્રૂરતા કરતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળના અન્ય લોકો સુધી પહોંચવા પ્રયાસો તેજ કર્યા છે.
LCB ના PSI એમ.એચ. રાવલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે સેવાલિયાના અંગાડી વિસ્તારમાં આવેલા નિર્જન સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગૌવંશની કતલ કરતા કેટલાક લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ઇરફાન બેલીમ, ઇલ્યાસ બેલીમ, સહીદ બેલીમ અને સદ્દામ કુરેશી સહિતના શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કતલખાનું લાંબા સમયથી ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.
પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે 1,36,000 રૂપિયાની કિંમતનું 800 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું છે. ઉપરાંત 8 નંગ ચામડા, લગભગ 50 કોથળા જેટલા હાડકાં અને સિંગડાનો જથ્થો પણ કબ્જે લેવામાં આવ્યો છે. કતલખાનામાં વપરાતા છરા-છરી, લોખંડના સળીયા, ટેબલ અને વજનકાંટા સહિત કુલ 1,46,230 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે. આટલી મોટી માત્રામાં ગૌમાંસ ક્યાં સપ્લાય થવાનું હતું અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે મુદ્દે સેવાલિયા પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગૌવંશ કતલ અને ગેરકાયદેસર માંસ વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આવા કૃત્યોમાં સંડોવાયેલા તત્વોને કાયદાના કડક હાથોથી લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel