સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને ₹2 લાખમાં વેચી દેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. Anti Human Trafficking Unit (AHTU) દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં આંતરરાજ્ય ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
માહિતી મુજબ, ખેડબ્રહ્મા વિસ્તારમાં આ રેકેટ સક્રિય હતો. AHTUને મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવી પોણાઈ ગામના માલજી ઉર્ફે માલિયો ડાભીને માટોડા ગામ નજીકથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આશરે 15 દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક વ્યક્તિને ₹2 લાખમાં વેચી દીધો હતો.
આ ખુલાસા બાદ પોલીસે તપાસનો વ્યાપ અમદાવાદ અને ઉદયપુર સુધી વિસ્તરાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં માલજી ઉર્ફે માલિયો ડાભી, સુવન ઉર્ફે સોવમ ડાભી, દેવજી ઉર્ફે દેવા પારધી, લક્ષ્મણ ડાભી અને પ્રમોદ રાજવંશીનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 143(4), 61(2)(A) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે આ બાળક તસ્કરી પાછળ કોઈ મોટું ગેંગ અથવા નેટવર્ક કાર્યરત છે કે કેમ તેની દિશામાં તપાસ ચાલુ છે.
આ ઘટનાએ રાજ્યમાં માનવ તસ્કરીના ખતરા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ અને AHTU દ્વારા આગામી સમયમાં આવા ગુનાઓ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel