સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાયા અને અંતે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સાત દિવસ પહેલા લાલોડા ગામમાં એક હડકાયા શ્વાને પશુપાલકની ભેંસને કરડ્યું હતું. શ્વાનના કરડ્યા બાદ ભેંસમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. સારવાર છતાં આજે ભેંસનું મોત થયું હતું.
ભેંસના મોત બાદ સૌથી મોટી ચિંતાનો મુદ્દો એ બન્યો કે, હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પરિવાર અને આસપાસના લોકોએ ઉપયોગમાં લીધું હતું. દૂધ પીનારા લોકોમાં ચેપ ફેલાવાની આશંકાને કારણે ભારે ડરનો માહોલ ઉભો થયો હતો.
20થી વધુ લોકો હોસ્પિટલ દોડી ગયા
ભયગ્રસ્ત લોકો તાત્કાલિક Idar Civil Hospital પહોંચ્યા હતા. તબીબોએ સ્થિતિને ગંભીરતા પૂર્વક લઈને 20થી વધુ લોકોને હડકવા વિરોધી રસી આપી હતી. તમામ લોકોને સાવચેતીરૂપે રસીનો સંપૂર્ણ કોર્સ લેવા સૂચના આપવામાં આવી છે.
ડૉક્ટરનું શું કહેવું?
સિવિલ હોસ્પિટલ ઈડરના ડૉક્ટર સંજયકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, લાલોડા ગામના 20 લોકો ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા. તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. હાલ અન્ય કોઈ સારવારની જરૂર ન હોવાથી તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે કૂતરાના કરડવાથી માણસોમાં હડકવા ફેલાતો હોય છે. પશુના દૂધ મારફતે સંક્રમણની શક્યતા અત્યંત ઓછી હોય છે, છતાં સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે.
હાલ આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel