અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થવા માટે ઇન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવતા ખતરનાક સ્ટંટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર એક ઇન્ફ્લુએન્સરે બ્રાંડ પ્રમોશન માટે નકલી અકસ્માતનો સીન બનાવીને ટ્રાફિક જામ સર્જ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી મુજબ, પાર્થ પરમાર નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે એચ એલ કોલેજ રોડ પર થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો સીન શૂટ કર્યો હતો. આ દરમિયાન રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને અકસ્માત બાદ ઝઘડો થતો હોય તેવો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
વિડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસના ધ્યાન પર મામલો આવતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 54 તેમજ મોટર વ્હિકલ એક્ટની કલમ 122 અને 177 હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી થાર કાર અને બાઈક જપ્ત કરવામાં આવશે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા રીલ વાયરલ કરવા માટે જાહેર રસ્તાઓ પર આવા જોખમી સ્ટંટ કરવામાં આવે છે, જે લોકોના જીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પ્રેન્કના નામે લોકોને પરેશાન કરનારાઓ પર પોલીસની નજર
અમદાવાદમાં આવા પ્રેન્ક વીડિયો બનાવનારા ઇન્ફ્લુએન્સર્સ પર પોલીસ કડક નજર રાખી રહી છે. અગાઉ જીવરાજ પાર્ક વિસ્તારમાં મંગેશ નામના ઇન્ફ્લુએન્સરે એક વૃદ્ધને ડરાવતો વીડિયો બનાવતા તેના સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત, આર જી મીત નામના ઇન્ફ્લુએન્સર પણ મનોરંજનના નામે લોકોને રોકી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોવાની ફરિયાદો મળી છે.
પોલીસે ચેતવણી આપી છે કે, કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે તેવા વીડિયો બનાવવામાં આવશે તો ફરિયાદ મળતા કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel