નર્મદા :
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેરસભામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કરીને જનસમર્થન મજબૂત બનાવ્યું હતું.
જાહેરસભામાં તેમણે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી ભારતનું ગૌરવ વિશ્વસ્તરે વધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવી નર્મદા ડેમના અધૂરા કામને પૂર્ણ કરીને ગુજરાતને મોટી ભેટ આપી છે. આજે કેવડિયા વિસ્તાર પ્રવાસન હબ તરીકે ઉભર્યો છે, જેના કારણે રોજગારીના નવા અવસર ઊભા થયા છે અને સ્થાનિક બહેનો પિંક રિક્ષા જેવી યોજનાઓથી આત્મનિર્ભર બની રહી છે.
વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે જ દેખાતી પાર્ટી છે, જ્યારે ભાજપ વિકાસના માર્ગે સતત કાર્યરત છે. “કમળના ફૂલવાળી પાર્ટી માત્ર વાતોમાં નહીં પરંતુ આયોજનબદ્ધ વિકાસમાં માને છે,” એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
આદિવાસી વિસ્તારોના વિકાસ અંગે તેમણે જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાઓના 52 તાલુકાઓમાં વસતા આદિવાસી ભાઈ-બહેનોના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આદિવાસી સમાજની દીકરી દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદે બિરાજમાન કરીને સમગ્ર સમાજનું ગૌરવ વધારવામાં આવ્યું છે.
નારીશક્તિ મુદ્દે તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું કે નારીશક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરીને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે, જેનો જવાબ આવનારી ચૂંટણીમાં માતા-બહેનો આપશે.
જાહેરસભાના અંતે તેમણે મતદારોને મહત્તમ મતદાન કરીને ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા અધ્યક્ષ નીલકુમાર રાવ, પ્રભારી અર્જૂનભાઈ ચૌધરી, ધારાસભ્યો ડો.દર્શનાબેન દેશમુખ સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
શૈશવ રાવ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel