ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 મહિનામાં દિલ્હીથી આશરે ₹1.25 કરોડનું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલવામાં આવ્યું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રાને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતા હિમાંશુ પાહુજા આંગડિયા મારફતે નાણાં મોકલતો હતો, જ્યારે આકાશ મિશ્રા અને અજય તિવારી સુરતમાં આ રકમ સ્વીકારતા હતા.
આ ફંડનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોના પ્રચાર અને મતદારોને પ્રભાવિત કરવા માટે થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર હવાલા ચેઇનમાં 8-10 લોકો સંડોવાયેલા હોવાની માહિતી સામે આવી છે.
પોલીસે જણાવ્યું કે ગેરકાયદે આર્થિક વ્યવહારો અંગે વધુ તપાસ ચાલી રહી છે અને આ કેસમાં અન્ય મોટા નામો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હાલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિમાંશુ પાહુજા અને રાજકીય કનેક્શન
તપાસમાં સામે આવ્યું છે કે હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને હાલ આમ આદમી પાર્ટીમાં સક્રિય છે. તેઓ પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજના નજીકના માનવામાં આવે છે. હિમાંશુના કેટલાક ફોટા અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા સાથે વાયરલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગ પણ તપાસમાં જોડાયું
હવાલા કાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્કમટેક્સ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કરોડોની આર્થિક હેરફેરને ધ્યાનમાં રાખીને નાણાં ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાયા તેની તપાસ તેજ કરવામાં આવી છે.
CCTV ફૂટેજ વાયરલ, તપાસ તેજ
આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા આંગડિયા પેઢીમાંથી નાણાં લેતા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. પોલીસે હવે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયા પેઢીઓના રેકોર્ડ્સની ચકાસણી શરૂ કરી છે. સુરત સિવાય અન્ય શહેરોમાં પણ નાણાં મોકલાયા હતા કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.
ચૂંટણી પહેલાં આ હવાલા કાંડ બહાર આવતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel