શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલના ચેરમેન તથા પ્રખર સંસ્કૃત વિદ્વાન પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ–2025નું પ્રતિષ્ઠિત ‘વેદ-શાસ્ત્ર પંડિત સન્માન’ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાનાર સમારોહમાં અર્પણ કરવામાં આવશે.
પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીએ ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે જીવન સમર્પિત કર્યું છે. સંસ્કૃત સાહિત્યના સંરક્ષણ, સંશોધન, સંપાદન અને પ્રસાર ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને અકાદમીએ તેમને આ સર્વોચ્ચ સન્માન માટે પસંદ કર્યા છે.
સુરતમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે કાશી (બનારસ)માં સંસ્કૃત શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના શૈક્ષણિક અને સાહિત્યિક પ્રદાન બદલ ડી.લિટ.ની માનદ પદવીથી પણ સન્માનિત કર્યા છે.
વડતાલ મંદિર તથા તેના સંલગ્ન મંદિરોની વિશાળ જવાબદારીઓ વચ્ચે પણ તેઓ આજે પણ નિયમિતપણે સંસ્કૃતના અધ્યયન, સંશોધન અને ગ્રંથલેખનમાં નિરંતર કાર્યરત છે. તેમની સાહિત્યસાધના અને વૈદિક જ્ઞાનના પ્રસાર માટેનું કાર્ય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે આ સન્માન માત્ર પૂજ્ય સ્વામી સંતવલ્લભદાસજીના વ્યક્તિગત યોગદાનનું જ નહીં, પરંતુ વડતાલ સંપ્રદાયની સંસ્કૃત, વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અવિરત સેવાનું પણ ગૌરવપૂર્ણ સન્માન છે.
આ સિદ્ધિ બદલ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, પૂજ્ય નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી), પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી (મુખ્ય કોઠારીશ્રી, વડતાલ), પૂજ્ય હરિજીવન સ્વામી (ચેરમેનશ્રી, ગઢપુર), પૂજ્ય પી.પી. સ્વામી (ચેરમેનશ્રી, જૂનાગઢ) તેમજ વડતાલ ટ્રસ્ટના સર્વ સભ્યોએ હર્ષ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel