કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલા પ્રાચીન શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ-હવન અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ઉત્કંઠેશ્વર મહાદેવથી આશરે 6 કિલોમીટરના અંતરે આવેલા આ પ્રાચીન મહાદેવ મંદિરે દર વર્ષે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાય છે. આ વર્ષે પણ આતરસુંબાના શાહ પરિવાર દ્વારા શ્રદ્ધાપૂર્વક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય યજમાન તરીકે રોમેશ શાહ, હેમંત શાહ અને ગિરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
1948થી પરિવાર સાથે જોડાયેલી છે ધાર્મિક પરંપરા
વાત્રક નદીના કિનારે અને ઘટાદાર વનરાજીની વચ્ચે આવેલું શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યની સાથે ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે. આતરસુંબાના વતની સ્વ. હિંમતલાલ મથુરદાસ શાહના પરિવારજનો વર્ષોથી આ મંદિર પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે.
પરિવાર દ્વારા વર્ષ 1948થી મંદિરમાં પૂજા-અર્ચના, હોમ-હવન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મંદિરની જાળવણી અને વિકાસમાં પણ પરિવાર સક્રિય રીતે સહયોગ આપી રહ્યો છે. આગામી સમયમાં મંદિર તથા આસપાસના પરિસરના નવનિર્માણ અને વિકાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મંદિર સાથે જોડાયેલી છે પ્રાચીન ધાર્મિક માન્યતા
મહાકાલેશ્વર મહાદેવ મંદિરને સ્થાનિક સ્તરે તપોભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રચલિત ધાર્મિક માન્યતા મુજબ પ્રાચીન સમયમાં અનેક ઋષિ-મુનિઓએ આ સ્થળે સાધના અને આરાધના કરી હતી. કેટલાક સાધકોએ અહીં સમાધિ લીધી હોવાની પણ માન્યતા છે.
મંદિરના પ્રાંગણમાં અગાઉ પણ અનેક વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હોવાનું આયોજકો જણાવે છે. ભૂતકાળમાં લઘુરૂદ્ર યજ્ઞ પ્રસંગે અઘોરી સાધુઓને આમંત્રિત કરી વૈદિક વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીં બે દિવસીય શ્રી વિષ્ણુયાગનું પણ આયોજન થઈ ચૂક્યું છે.
ચારેય વેદના મંત્રોચ્ચાર સાથે પણ યોજાયો હતો લઘુરૂદ્ર યજ્ઞ
મંદિર ખાતે અગાઉ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદના જાણકાર બ્રાહ્મણોના અલગ-અલગ સમૂહ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું. આ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો દ્વારા મંદિર સાથે જોડાયેલી વર્ષો જૂની પરંપરાને જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નવી પેઢી આગળ ધપાવી રહી છે આધ્યાત્મિક વારસો
મહાકાલેશ્વર મહાદેવના પ્રાંગણમાં યજ્ઞ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનો યોજવાની પરંપરાને પરિવારની નવી પેઢી પણ આગળ વધારી રહી છે. સ્વ. રિલેશભાઈ-મનિષાબેન, રોમેશભાઈ-મિતલબેન અને મયુરભાઈ-રીટાબહેન દ્વારા આ પરંપરાને જાળવવામાં આવી છે. પરિવારની દીકરીઓ કલ્પનાબેન કાજી, બીનીતાબેન ડોક્ટર અને જેનીશબેન શાહ પણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ રહી છે.
પરિવારના સભ્યો મંદિરની જાળવણી, પવિત્રતા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે યોજાયેલા લઘુરૂદ્ર યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને શિવ આરાધનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું.
રીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel