ટેક્નોલોજીના આ યુગમાં ઓનલાઈન કોર્ટ સુનાવણી, ઓનલાઈન પોલીસ એફઆઈઆર, લગ્ન, પૂજા અને ઓફિસ વર્ક જેવી અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યાં ઓનલાઈન ગેંગ રેપના સમાચાર પણ બહાર આવ્યા છે. આ થોડું વિચિત્ર લાગે છે, પરંતુ બ્રિટિશ પોલીસ આવા જ એક વર્ચ્યુઅલ ગેંગરેપની તપાસ કરી રહી છે.
બ્રિટિશ પોલીસ એવા એક કેસની તપાસ કરી રહી છે, જેમાં મેટાવર્સ ગેમમાં એક યુવતીના વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) અવતાર સાથે કથિત રીતે ગેંગરેપ કરાયો હતો. 16 વર્ષની છોકરી એક ઇમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) હેડસેટનો ઉપયોગ કરી રહી હતી ત્યારે તેના અવતાર પર કથિત રૂપે બહુવિધ પુરુષોનું પ્રતિનિધિત્વ કરતા અવતારે વર્ચ્યુઅલ રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત યુવતીને કોઇ શારીરિક નુકસાન થયું નથી, પરંતુ તેના પર ઊંડી ભાવનાત્મક અને માનસિક અસર પડી હતી. તપાસ એજન્સીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે.
બ્રિટનના ગૃહ પ્રધાન જેમ્સ ક્લેવરલીએ આ તપાસને યોગ્ય ગણાવીને પીડિત છોકરીના માનસિક આઘાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આવા વર્ચ્યુઅલ ક્રાઇમને ગંભીરતાથી લેવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાને વાસ્તવિક ન હોવાનું કહીને તેને નકારી કાઢવાનું ખૂબ જ સરળ છે, પરંતુ મુખ્ય બાબત એ છે કે આવા વર્ચ્યુઅલ વાતાવરણમાં આવા કૃત્યોમાં વધારો થઈ શકે છે, તેથી આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. અહીં આપણે એક છોકરીની વાત કરી રહ્યા છીએ. એક બાળક જે જાતીય આઘાતમાંથી પસાર થયું છે. તેના પર તેની નોંધપાત્ર અને ઊંડી મનોવૈજ્ઞાનિક અસર પડી છે, તેથી આપણે આવા કેસોને નકારી કાઢતા પહેલા બહુ જ સાવધાની રાખવી જોઇએ.
આ ઘટનાને પગલે વર્ચ્યુઅલ રિયાલિટી ઓનલાઇન ગેમ મેટા હોરિઝોન વર્લ્ડ સામે સવાલ થઈ થયા છે. આ ગેમ મેટા એટલે કે ફેસબૂકની એક ગેમ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂતકાળમાં આ પ્લેટફોર્મ પર જાતીય ગેરવર્તણૂકની ઘણા બનાવો નોંધાયા છે. હજુ સુધી ઈંગ્લેન્ડમાં આને લગતી કોઈ કાનૂની કાર્યવાહી કરાઈ નથી. આવા જ એક કેસમાં 2022માં 43 વર્ષીય બ્રિટિશ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે મેટાના મેટાવર્સે તેની મૌખિક અને જાતીય સતામણી કરી હતી. વર્ચ્યુઅલી કનેક્ટ થયાની 60 સેકન્ડની અંદર ત્રણ કે ચાર પુરૂષ અવતારોએ તેના અવતાર પર “ગેંગરેપ” કર્યો હતો અને તેના ફોટોગ્રાફ્સ પણ લીધાં હતાં.