જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂન ને “આતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
તદનુસાર વર્ષ-૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૪ ના રોજ ૧૦માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે સાથે જ ખેડા જિલ્લામાં પણ જાન્યુઆરી ૨૦૨૪થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા અને પ્રવૃત્તિઓ દ્વારા યોગનું મહત્વ સમજાવવાની અને જન જન સુધી પહોંચાડવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે, જે હેતુ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે ખેડા જિલ્લામાં થનાર આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહત્તમ લોકો જોડાય તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરી હતી. ૧૦મા “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૪” ની ઉજવણી હેતુ ૨૧ જૂનના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ સવારે ૦૫:૩૦ થી ૦૭:૪૫ કલાક સુધી યોજાશે.
સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નડીઆદ ખાતેના જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં ૨૫૦૦ થી વધુ લોકો ભાગ લેશે. તથા તાલુકા અને નગરપાલિકાના સંયુક્ત કાર્યક્રમમા ૧૦૦૦ થી વધુ લોકો જ્યારે તાલુકા અને નગરપાલિકાના વિભક્ત કાર્યક્રમોમાં ૫૦૦ થી વધારે લોકો ભાગ લેશે. ગયા વર્ષે ખેડા જિલ્લાના તમામ કાર્યક્રમો થકી કુલ ૩,૮૦,૦૦૦, થી વધુ લોકો એ યોગમાં ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે સમગ્ર જિલ્લા માથી જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા ગુજરાત સરકારના તમામ વિભાગો તથા જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંગઠનો અને લોક ભાગીદારી સાથે લગભગ ૫,૦૦,૦૦૦ થી વધુ લોકો “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪” માં સહભાગી થાય તેવું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં આ દિવસે જિલ્લામાં કુલ ૩૦૦૦ યોગ ઈન્સટ્રક્ટર દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને ૨૧ જેટલી ધાર્મિક-સામાજીક એનજીઓ સંસ્થાઓ પણ યોગદિવસ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે. વધુમાં, કાર્યક્રમના સ્થળે પાણી અને સ્વચ્છ બેઠક વ્યવસ્થા પુરી પાડવામાં આવશે અને યોગ સાધકોને કોઈ તકલીફ ન પડે એ હેતુથી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે.
“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે ખેડા જિલ્લામાં તારીખ ૧૫ થી ૨૦ જૂન સુધી જુદા જુદા વિભાગ દ્વારા યોગનું મહત્વ વધે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજયમાં એક સાથે ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સૂર્યનમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો જેમાં ખેડા જિલ્લા ખાતે પણ ૫૪૭ સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વધુમાં જાન્યુઆરીથી લઈ જૂન સુધી વિવિધ યોગ શિબિરો દ્વારા ખેડા જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ વિદ્યાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.