વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી છે. તે માટે તેમણે ‘ફીટ ઈન્ડિયા’ની સંકલ્પના આપી છે. ત્યારે પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ ના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે.
આ રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત શહેરના રેડ ક્રોસ ભવન ખાતે નડિયાદના પત્રકારોની સઘન આરોગ્ય તપાસ માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગુજરાત સ્ટેટ બ્રાંચ) અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. હેલ્થ ચેક અપ માટેના આ ઉપક્રમનો લાભ લઈને નડિયાદ જિલ્લાના ૩૦થી વધુ પત્રકારોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી હતી.
પત્રકારોને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ સવારથી સાંજ સુધી ચાલ્યો હતો. જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ, એક્સ-રે અને ECG સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા હતા.
મીડિયાકર્મીઓ માટેના આજના હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમમાં બ્લડ ગ્રુપ, લિપિડ પ્રોફાઈલ સહિત પ્રિલિમનરી ટેસ્ટ, લીવર અને કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા અને હાડકા માટેના જરૂરી ટેસ્ટ, થાઈરોઈડ સ્ક્રીનિંગ, ડાયાબિટીક માર્કર, ECG અને છાતીનો એક્સ-રે સહિત આરોગ્યની મુખ્ય સ્થિતિઓ માટે સ્ક્રીનીંગ કરવા માટેના જરૂરી પરીક્ષણોને આવરી લેવામાં આવ્યા હતા. આ હેલ્થ ચેક અપ કેમ્પમાં નડિયાદ જિલ્લાના ૩૦થી વધુ પત્રકાર મિત્રોએ ભાગ લીધો હતો.