દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય ‘સલામતી તાલીમ’નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
આ પ્રંસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે ઉપસ્થિત ડીજીવીસીએલના કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે તમારી કામગીરી એક હાઇ લેવલ રિસ્ક સાથે સંકળાયેલ છે ત્યારે તમામે પોતની સલામતી જાળવવી જોઇએ. આજે આ સલામતી તાલીમ માંથી આપવામા આવતી માર્ગદર્શક બાબતોને પોતાની કામગીરીમાં ઉપયોગ કરી પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા જાળવવા અંગે આહવાન કર્યું હતું.
તાપીમાં પીવીટીજીના વીજળીથી વંચિત હાઉસહોલ્ડ નાગરીકોને વિજપુરવઠો પુરો પાડવામાં તાપી જિલ્લાએ સો ટકા સિદ્ધી હાસલ કરી છે. ત્યારે તમામ ડીજીવીસીએલના અધિકારી કર્મચારીઓને કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા.
ડીજીવીસીએલ છેલ્લા પાંચ વર્ષથી એ-પ્લસ ગ્રેડ સાથે સમગ્ર ભારતમાં તમામ પબ્લીક સેકટર યુટિલીટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરતી આવે છે એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. સુરત (ગ્રામ્ય વર્તુળ)ના અધિક્ષક ઇજનેર ડી.સી મહાલાએ ડીજીવીસીએલના લાઇન સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પુરું પાડતા જણવ્યું હતું કે, સલામતી જાળવવીએ આપણી પ્રાથમિક જવાબદારી છે. આપણી સલામતીએ આપણા પરિવારની સલામતિ છે. કર્મચારીઓ ઘણી વખત પોતાની સલામતી ભુલી જતા હોય છે ત્યારે એ યાદ કરાવવા અને પોતાની સલામતી જાળવતા થાય તે માટે આવા વિવિધ કર્યક્રમો યોજવામાં આવે છે.
કાર્યક્રમમાં વ્યારા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રી બી.પી ગોહિલે પ્રાંસગિક ઉદ્દબોધન દ્વારા સૌને આવકારી લેતા ડીજીવીસીએલ વ્યારા અને બારડોલી વિભાગીય કચેરીની કામગીરીની સરાહના કરી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગીઓને સાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.