ગુજરાતમાં એનાલોગ પનીરના વેચાણ સામે રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ અમદાવાદમાં શંકાસ્પદ લો ફેટ પનીરના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાંકરિયા ગાર્ડન નજીક આવેલા કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કુલ 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો મળી આવતા તેને સીઝ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં આ પનીરનો જથ્થો રાજસ્થાનથી લક્ઝરી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગે પનીરના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ પનીરની ગુણવત્તા અને તેમાં પ્રતિબંધિત કે ભેળસેળવાળા ઘટકોનો ઉપયોગ થયો છે કે કેમ તે સ્પષ્ટ થશે.
અરુણાચલ પ્રદેશના નંબરવાળી બે લક્ઝરી બસમાં તપાસ
AMCને માહિતી મળી હતી કે અન્ય રાજ્યમાંથી લક્ઝરી બસ મારફતે અમદાવાદમાં પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે કાંકરિયા ગાર્ડન નજીકના પે એન્ડ પાર્કિંગ વિસ્તારમાં અરુણાચલ પ્રદેશના નંબર પ્લેટ ધરાવતી બે લક્ઝરી બસની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બસમાંથી મોટી માત્રામાં લો ફેટ પનીર મળી આવ્યું હતું. સમગ્ર જથ્થાનું વજન આશરે 408 કિલો હોવાનું સામે આવતા ફૂડ વિભાગે તેને સીઝ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
MRP રૂ. 400થી 450, વેપારીઓને રૂ. 240 પ્રતિ કિલોમાં વેચાણ?
તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પનીરના પેકેટ પર પ્રતિ કિલો આશરે રૂ. 400થી રૂ. 450 સુધીની MRP દર્શાવવામાં આવી હતી, જ્યારે અમદાવાદના બે વેપારીઓ આ જથ્થો માત્ર રૂ. 240 પ્રતિ કિલોના ભાવે ખરીદવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આટલા મોટા ભાવફેરને કારણે ફૂડ વિભાગની શંકા વધુ મજબૂત બની હતી. જથ્થો ખરીદવા આવેલા લોકો નરોડા અને મણિનગર વિસ્તાર સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જોધપુરની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી આવ્યો જથ્થો
AMCની તપાસમાં પનીરનો જથ્થો રાજસ્થાનના જોધપુર ખાતે આવેલી વેરાઈટી પ્રોડક્ટ નામની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી પનીર લક્ઝરી બસ દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવતું હતું.
પ્રાથમિક માહિતી મુજબ નરોડા અને મણિનગરના બે વેપારીઓને આ પનીર આપવામાં આવવાનું હતું. ત્યારબાદ આ જથ્થો અમદાવાદમાં અલગ-અલગ સ્થળોએ છૂટક વેચાણ માટે પહોંચાડવાની યોજના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
લેબ રિપોર્ટ બાદ કાર્યવાહીનો નિર્ણય
ફૂડ વિભાગ દ્વારા સીઝ કરાયેલા પનીરમાંથી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબ રિપોર્ટ પર સમગ્ર તપાસનો મહત્વનો આધાર રહેશે. પનીરમાં નિયમોનું ઉલ્લંઘન, ભેળસેળ કે પ્રતિબંધિત ઘટકો મળી આવશે તો ઉત્પાદન કરનાર મેન્યુફેક્ચરિંગ યુનિટ, જથ્થો મોકલનાર વ્યક્તિઓ તેમજ અમદાવાદમાં તેને ખરીદવા આવેલા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ કાર્યવાહી બાદ શહેરમાં અન્ય રાજ્યોમાંથી સસ્તા ભાવે લાવવામાં આવતા પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના સપ્લાય નેટવર્ક અંગે પણ તપાસ વધુ તેજ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel