મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં ૧૫૧ નવદંપતિઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ આપણે સૌએ સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પનાને ચરિતાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે.
મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરુ યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. ચકલાસીમાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં તમામ કન્યાઓને અત્યારના સમયની જરૂરિયાતો સમજીને ફ્રીજ, ટીવી અને કુલર સાથે ઘરવખરીનો સામાન કરિયાવરમાં આપવા માટેની વ્યવસ્થાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી.
ધારાસભ્ય સંજયભાઈ મહીડાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માં આદિનાર ચોકડી ખાતે ૭૭ દીકરીઓ અને વર્ષ ૨૦૨૪ માં મહુધામાં ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષોથી કરવામાં આવતા સમૂહ લગ્નોત્સવના આ ઉમદા કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો તેમણે આભાર માન્યો હતો.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશ ઝાલા, અમુલના ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહુધા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન પરમાર, ચકલાસી નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા,અગ્રણીઓ,પદાધિકારીઓ, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ, સાજનમાજન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.