ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરતી રાત્રી સભા યોજવામાં આવી. આ રાત્રી સભામાં કલેકટરશ્રી ની સાથે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર મયુર પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિંજલબેન રબારી, મામલતદાર નિમેષ પારેખ, તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પટણી, સરપંચ ચંદ્રકાન્ત મુખી, તલાટી ક્મ મંત્રી ઉર્જાબા મહિડા, પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. થામણાના ટાવર ચોકની ખુલ્લી જગ્યામાં આ જાહેર સભા મોટી સંખ્યામાં ગ્રામજનો વચ્ચે સંપન્ન થઇ. કલેકટર દ્વારા યોજાતી આવી સભામાં કલેકટર સાહેબની પ્રાથમિકતા હોય છે કે તેઓ સીધા સ્થાનિકોના પ્રશ્ન સાંભળે અને જે તે વિભાગના અધિકારી સાથે વાતચીત કરી તેનો શક્ય તેટલો વહેલો ઉકેલ લાવે. એ જ રીતે થામણાની સભામાં પણ કલેકટર દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને જે તે વિભાગના અધિકારી સાથે દરેક પ્રશ્નોના સમાધાન માટેના પગલા લેવાયા.
સાંજના સાત કલાકે ટાવર ચોકમાં આ રાત્રી સભાની શરૂવાત કલેકટર શ્રી, અધિકારીઓ, ગામના સરપંચ અને તલાટી દ્વારા દીપ પ્રજવલન કરીને કરવામાં આવી. દીપ પ્રજવલન બાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું. ત્યારબાદ થામણા ગામના સરપંચ ચંદ્રકાન્તભાઈ દ્વારા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને ત્યારબાદ સર્વે મુખ્ય અધિકારીઓ ના સ્વાગત સ્વાગત સન્માન થયાં. આટલુ થયાં બાદ માનનીય કલેકટરશ્રી એ રાત્રી સભા કાર્યક્રમ ખુલ્લો મુક્યો અને દરેક ગ્રામજનોને પોતાને પડતી મુશ્કેલી અથવા પોતાને કે ગામને લાગતા પ્રશ્નો આગળ આવીને માઈક પર કહેવા જણાવ્યું.
કલેકટરશ્રી દ્વારા ખાસ જણાવતા કહ્યું કે આણંદ જિલ્લામાં કુપોષણની માત્રા વધારે છે માટે પૂરક પોષણમાં આંગલવાડીમાં પોષણક્ષમ આહાર મળે છે તે બાળકોને લેવડાવવો જ જોઈએ. આ પોષણક્ષમ આહાર દ્વારા જરૂરી ન્યુટ્રીશીયન ફૂડની વાનગીઓ બનાવીને બાળકોને ખાસ ખવડાવવી જોઈએ. કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી કે આણંદ જિલ્લામાં ફક્ત સપ્ટેમ્બર મહિનામાં 111 કરોડ રૂપિયા સરકારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા આયુષ્યમાન કાર્ડના ભોગવ્યા છે. તો જો સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની આટલી ચિંતા કરતી હોય તો દરેકે પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવી જ લેવું જોઈએ. ઉપરાંત પ્રદુષણ અંગે કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે પ્લાસ્ટિક હજારો વર્ષ પૃથ્વીમાં દબાઈને રહે છતાં તે નષ્ટ નથી થતું અને સમસ્ત જીવ માટે ખુબ હાનિકારક છે. તો દરેક વ્યક્તિએ પોતાની રીતે પ્રદુષણ નિવારણ માટે પ્લાસ્ટિકની થેલીઓની જગ્યાએ ઘરેથી કાપડની થેલી વાપરવાનો નિયમ લેવો.
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)