તાપી જિલ્લામાં યોજાનારા ૭૬ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકારોને માહિતી આપતા કલેક્ટર ડો. વિપિન ગર્ગે જણાવ્યું કે, તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત અહીં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે, જે નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રજાસત્તાક પર્વનો મુખ્ય કાર્યક્રમ બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે મા. રાજ્યપાલ મહોદયની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર જણાવ્યું હતું કે, બાજીપુરા ખાતે યોજાનારા ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પોલીસ પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે જાહેરજનતાને મીડિયાના માધ્યમથી આમંત્રણ પાઠવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વ ઉજવણીની પૂર્વ સંધ્યાએ મા. રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાની સામાજીક, આર્થિક અને ભૌગોલિક, સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે એમ જિલ્લા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે પણ પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને જિલ્લામાં શાંતિ, સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને પુરતા બંદોબસ્ત ગોઠવવા આવશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ, માર્ચ પાસ્ટ, જુદી જુદી સાંસ્કૃતિક કૃતિઓ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને બેન્ડ ડિસપ્લે અંગે જાણકારી આપી હતી.
તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે તૈયાર કરાયેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯.૦૦ કલાકે યોજાશે. ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યા એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના યજમાન પદે સાંજે ૪.૩૦ કલાકે એટહોમ કાર્યક્રમ યોજાશે. એટહોમ કાર્યક્રમ પૂર્ણ થયે સાંજે ૭.૦૦ કલાકે વ્યારા મથકના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.