ખેડા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સંપન્ન થાય એ માટે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં ખેડા, મહેમદાવાદ, મહુધા, ચકલાસી, ડાકોર નગરપાલિકાના ૩૪ વોર્ડની ૧૩૬ બેઠકોની સામાન્ય ચૂંટણી અને કપડવંજ નગરપાલિકાના ૨ વોર્ડની ૨ બેઠકોની પેટા ચૂંટણીઓ અને કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની ૫૦ સીટની સામાન્ય ચૂંટણી તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની ૨ બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાનાર છે.
રાજય ચૂંટણી આયોગના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન નામાંકન માટેના સમયગાળામાં નગરપાલિકાની કુલ ૩૬ વોર્ડની ૧૩૮ બેઠકો માટે ૫૦૫ ઉમેદવારી ફોર્મ ભરાયેલા હતા. જેમાંથી ૯૨ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. જ્યારે ૩૨ ફોર્મ અમાન્ય ઠરેલ હતા. આમ, કુલ ૩૬૮ ઉમેદવારો નગરપાલિકા ચૂંટણીની હરિફાઈમાં રહેલ છે. જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૫ બેઠકો બિનહરિફ થયેલ છે. જેમાં મહુધા નગરપાલિકાનો વોર્ડ નં-૧ ની તમામ બેઠકો બીનહરિફ થયેલ છે. વધુમાં, તાલુકા પંચાયતની ચૂંટણી માટે પર (બાવન) સીટ માટે ૧૬૪ ઉમેદવારી ફોર્મ ભરાયેલા હતા. જેમાંથી ૫ ફોર્મ પરત ખેંચવામાં આવેલ હતા. ત્યારબાદ ૩૭ ફોર્મ અમાન્ય ઠરેલ હતા. આમ, કુલ ૧૨૨ ઉમેદવારો તાલુકા પંચાયતની ચૂંટણીની હરિફાઈમાં રહેલ છે.
કલેકટરએ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૧૫૧ મતદાનમથકો ઉપર અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ ૩૯૬ મતદાનમથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. મતદાન થનાર તમામ મતદાનમથકો ખાતે મતદારો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટેના ૬૭,૩૭૭ પુરુષ અને ૬૬,૬૩૦ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૩૪,૦૧૮ મતદારો મતદાન કરશે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧,૭૮,૫૨૪ પુરુષ અને ૧,૭૩,૩૧૫ સ્ત્રી મતદારો મળી કુલ ૩,૫૧,૮૪૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. નગરપાલિકામાં ૮૦ વર્ષ કર્યા વધુ ઉંમર ધરાવતા મતદારો ઓની સંખ્યા ૨૨૨૪ અને તાલુકા પંચાયતમાં ૮૦ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા મતદારોઓની સંખ્યા ૩૮૪૩ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મતદાન સમયે મતદારે મતદાન માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ મતદાર ઓળખકાર્ડ રજુ કરવાનું રહેશે. પરંતુ વાજબી કારણોસર રજુ કરી શકે તેમ ના હોય તો રાજય ચૂંટણી આયોગ, ગુજરાત રાજયના તા.૨૬/૧૧/૨૦૧૬ ના આદેશથી નિયત કરેલ ફોટાવાળા ૧૪ દસ્તાવેજો પૈકી કોઈપણ એક દસ્તાવેજ રજુ કરી મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
નગરપાલિકા ચૂંટણીમાં ૪૫ સંવેદનશીલ અને ૩૫ અતિ સંવેદનશીલ મતદાનમથકો તેમજ તાલુકા પંચાયત ચૂંટણી માટે ૭૭ સંવેદનશીલ અને ૪૧ અતિ સંવેદનશીલ મતદાનમથકો નક્કી થયેલા છે. આવા મતદાનમથકો ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
જિલ્લામાં મતદારોની જાગૃતિ માટે ઈવીએમ નિદર્શન અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજય ચૂંટણી આયોગના જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ ૧૮ મી ફેબ્રુઆરીના રોજ સવારના ૯ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. નગરપાલિકા માટે કુલ ૬ સ્થળોએ અને તાલુકા પંચાયત માટે કુલ ૩ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેક્ટર જે.બી.દેસાઈ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના મિત્રો ઉપસ્થિત રહયાં હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)