ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બજેટના વિવિધ પાસાઓ અને તેની દેશના વિકાસ પર થનારી અસરો અંગે વિગતો રજૂ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા નડિયાદના ડભાણ રોડ પર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. શનિવારે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ દેશના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ, ખેડૂતો માટેની યોજનાઓ, યુવા રોજગારી અને માળખાગત સુવિધાઓના વિકાસ અંગે વિગતવાર માહિતી આપી હતી. બજેટ ૨૦૨૬ વિકસીત ભારત@ ૨૦૪૭ના રોડ મેપને તૈયાર કરતુ બજેટ છે.
આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહામંત્રી વિકાસભાઈ શાહ અને ભાજપ અગ્રણી અમિત સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના પદાધિકારીઓએ બજેટને જનહિતલક્ષી ગણાવીને તેનાથી સ્થાનિક સ્તરે થનારા ફાયદાઓ વિશે ચર્ચા કરી હતી.
પત્રકાર પરિષદ દરમિયાન બજેટના મુખ્ય મુદ્દાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે સંગઠન દ્વારા કરવામાં આવનારા પ્રયાસોની પણ જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના અન્ય કાર્યકરો અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel