ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના ખોખરવાડ પાટિયા પાસે એક બાઇક ઓવરટેક કરવા જતાં ટ્રેઇલરના પાછળના ટાયરમાં ફસાઇ જતાં અડધો કિ.મી. સુધી બાઇક ખેંચાઇ ગયુ હતુ. જેમાં બાઇક પર સવાર બન્ને વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતા. અકસ્માતમાં બન્નેનું શરીર ક્ષતવિક્ષત થઇ જતા ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. કપડવંજ તાલુકાના દાણા ગામેથી મામેરા માટે નડિયાદ તાલુકાના ફતેપુરા જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓએ બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સીએચસીમાં મોકલી આપ્યા હતા. તેમજ ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહીતી અનુસાર, કપડવંજ તાલુકાના દાણા ગામે રહેતા સુરેશભાઇ રમણભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) અને જગદીશભાઇ રામભાઇ સોલંકી (ઉ.વ.૪૮) બન્ને મિત્રો હતા. તેઓ મામેરામાં નડિયાદ તાલુકાના ફતેપુરા ગામે જવા માટે ગુરૂવારે બપોરે પોતાના ઘરેથી બાઇક નંબર. જી.જે.૨૭.ડી.આર.૯૯૮૫ લઇને નિકળ્યાં હતા. તેઓ અનારા પાસેથી ખોખરવાડા પાટિયા નજીક તુલસી હોટલ પાસેથી મુખ્ય હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે આગળ જતાં એક ટ્રેઇલરની ઓવરટેક કરવા જતા બાઇક ટ્રેઇલરના પાછળના વ્હિલમાં જ ફસાઇ ગયુ હતુ. તેમજ અડધો કિ.મિ. સુધી આ બાઇક ટ્રેઇલરના ટાયરમાં ફસાઇને ઢસડાયુ હતુ. જેમાં બન્ને બાઇક પર સવારનું શરીર ક્ષતવિક્ષત થઇ ગયુ હતુ. જેથી ભારે અરેરાટી ફેલાય તેવી સ્થિતી સર્જાઇ હતી. ઘટનામાં બાઇક પર સવાર બન્નેના મોત નિપજ્યાં હતા.
આ ઘટના બાબતે પોલીસને જાણ થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પરિવારજનોને જાણ કરીને મૃતદેહોને કઠલાલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જયાં તેઓનું પીએમ કરાયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસે ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.