નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બુધવારે રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બેઠકમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ટાટા ટ્રસ્ટની રચનામાં રતન ટાટાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો મોટો હિસ્સો છે. આમાં હિસ્સો લગભગ 66 ટકા છે. ટાટા ગ્રુપ ટાટા ટ્રસ્ટ હેઠળ કામ કરે છે. આ ટ્રસ્ટ પરોપકારી પહેલ અને શાસનની દેખરેખ રાખવા માટે કામ કરે છે.
ટાટા ગ્રુપમાં આ જવાબદારીઓ નિભાવે છે
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નોએલ પણ ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. ટાટા ગ્રુપ સાથે તેમનો ચાર દાયકાનો લાંબો ઈતિહાસ છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં, તેઓ ટાટા સ્ટીલ અને ટાઇટન કંપની લિમિટેડના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ટાટા ઇકોસિસ્ટમ સાથે પણ ઊંડા સંબંધો ધરાવે છે.