ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લામાં આવી પહોંચતા નાંદોદ તાલુકાના ખૂંટાઆંબા ગામે જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારી ઓ સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.
જિલ્લામાં યાત્રા પહોંચ્યા બાદ આગળ વધતાં રાજપીપલા શહેરમાં આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્નારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રાંગણમાં જ કલાવૃંદ્ધ અ ભજનિકો દ્વારા ભજન સંધ્યા યોજાઈ હતી. જેમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ વિભાગના રાજય મંત્રી મુકેશભાઇ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, ૧૪૮-નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રીશ્રી મોતિસીંહ વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર અને મિતેશભાઇ પટેલ સહિત જિલ્લાના અન્ય અગ્રણીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.