ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ કારસ્તાન કર્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ હરદીપ સિંહ નિજ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે.
13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં G7 સમિટ યોજાશે. આ પહેલા ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ ત્યાં વિરોધમાં સૂત્રોચ્ચાર પણ લખ્યા છે.
#WATCH | On a statue of Mahatma Gandhi vandalised in Italy's Milan allegedly by pro-Khalistani elements, Foreign Secretary Vinay Mohan Kwatra says, "…We have seen the reports of that and we have taken it up with the Italian authorities. We understand that a suitable… pic.twitter.com/9TTYzViRvv
— ANI (@ANI) June 12, 2024
આ ઘટના પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વિદેશ સચિવે કહ્યું કે ભારતે ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો છે, પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન અંગે તેમણે ઈટાલીના અધિકારીઓ સાથે વાત કરી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે આવતીકાલે ઇટાલી જશે. આ વર્ષે G7 સમિટ ઇટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત G7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ સામેલ થશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી 13 જૂને ઈટાલી જવા રવાના થશે અને 14 જૂનની મોડી સાંજ સુધીમાં પરત ફરશે. વડાપ્રધાનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલનો સમાવેશ થઈ શકે છે. PM મોદી G-7 શિખર સંમેલન દરમિયાન ઘણી દ્વિપક્ષીય બેઠકો કરશે, જેમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.
યુક્રેન-રશિયા યુદ્ધના પ્રશ્ન પર વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે અમે હંમેશા માનીએ છીએ કે તેને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. વિદેશ સચિવે એમ પણ કહ્યું હતું કે G7 સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી વૈશ્વિક પડકારોનો સામનો કરવાના ભારતના પ્રયાસોની વધતી જતી માન્યતાને દર્શાવે છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી શાંતિ સમિટમાં ભારત યોગ્ય સ્તરે ભાગ લેશે.
ગયા વર્ષે, પીએમ મોદીએ હિરોશિમામાં G7 સમિટમાં હાજરી આપી હતી. તેમણે સમિટ દરમિયાન ઝેલેન્સકી તેમજ વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. G-7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. ઇટાલી હાલમાં G7 (ગ્રુપ ઓફ સેવન) નું પ્રમુખપદ ધરાવે છે અને તેણે સમિટનું આયોજન કર્યું છે.