અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે, કારણ કે અહીં 19 ઑગસ્ટના રોજ બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દિવસે ધોરણ 8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ 10ના હિંદુ કિશોરની શાળાની અંદર જ હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો કે શાળાએ ઘાયલ વિદ્યાર્થીને સમયસર તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી નહોતી અને જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને પણ ઘટનાની જાણ કરવામાં બેદરકારી દાખવી હતી. આ ગંભીર ઉદાસીનતા સામે DEOએ શાળાના પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર અને અન્ય જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો અને શાળાની શિક્ષણપ્રક્રિયા ઑનલાઇન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ DEOએ શાળાને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરી હતી.
શાળા પ્રશાસને આ કાર્યવાહી સામે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે શાળાને કડક ફટકાર લગાવતા તપાસમાં પૂર્ણ સહકાર આપવાનો આદેશ કર્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સેવન્થ ડે સ્કૂલએ જાણીજોઈને સરકાર અને DEOને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને તપાસમાં સહકાર આપવા બદલે માહિતી છુપાવી હતી. હાઇકોર્ટે આ વાત પર ભાર મૂક્યો કે રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે અને શાળાએ તેના ફરજો નિભાવવામાં નિષ્ફળતા દર્શાવી છે.
સુનાવણી દરમિયાન સરકારના વકીલે શાળાની બેદરકારી પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે ઘટનાની જાણ કરવામાં વિલંબ થયો હતો, ઘાયલ વિદ્યાર્થીને સમયસર સારવાર મળી નહોતી અને આ સિવાય શાળાની અંદર જ વિદ્યાર્થીઓ હથિયાર લઈને પ્રવેશતા હોય તેવો ગંભીર ખુલાસો થયો છે. આ બધું શાળાની બેદરકારીનું પરિબળ દર્શાવે છે. સરકારના વકીલે દલીલ કરી કે શાળાની લાપરવાહીએ એક નિર્દોષ જીવ ગુમાવ્યો છે, જેને કારણે DEOએ જે પગલાં લીધા છે તે યોગ્ય છે.
કોર્ટએ આ પરિસ્થિતિ પર તીવ્ર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે “આ ઘટના માત્ર એક વિદ્યાર્થીના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આંચકોરૂપ છે. શાળાએ જો સમયસર પ્રાથમિક મદદ પૂરી પાડી હોત અને સાવચેતી રાખી હોત, તો પરિસ્થિતિ અલગ હોત.” કોર્ટે આગળ કહ્યું કે, “શાળા પ્રશાસન માઈનોરિટી સંસ્થા હોવાનું દાવો કરીને કાનૂની રક્ષણ માંગે છે, પરંતુ અહીં મુદ્દો બાળકોની સુરક્ષા અને જીવનનો છે, જે રાજ્યની જવાબદારી પણ છે.” કોર્ટે સૂચન કર્યું કે શાળા અને DEO વચ્ચે બેઠક યોજી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, જેથી શાળામાં ભણતા લગભગ 10,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી ન જાય.
આ મામલે હાઇકોર્ટે અરજીને લંબિત રાખી છે અને આગામી સુનાવણી 16 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાળા પ્રશાસનને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો ફરજિયાત છે અને બાળકોની સુરક્ષા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel