નવસારીને દાનની નગરી તરીકે ઓળખવામાં આવે છે. નવસારીજનો હંમેશા દાન તથા સેવાકાર્ય માટે તત્પર રહે છે આ યુક્તિ ફરી એકવાર સાર્થક બની છે.
નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય ક્રિશ વિનોદ પાટીલને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે ટંકનું ભોજન રળી શકે છે.
આ પરિસ્થિતિમાં નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ શામવાનીએ બાળકને પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. ત્યાં RMO ડૉ. લાલા ચૌધરીએ માનવતા દાખવી માત્ર એક કલાકમાં બાળકનું આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું.
ડૉ. ચૌધરીએ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં મદદ કરી. આ સફળ ઓપરેશન બાદ બાળક મોતના મુખમાંથી બહાર આવ્યો. આમ, નવસારી શહેરના સેવાભાવી યુવાનોએ સમયસૂચકતા દાખવી એક નિર્દોષ બાળકનો જીવ બચાવી માનવતાની મિસાલ કાયમ કરી છે.