મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપાલિકાના નામમાં ફેરફાર અંગેનો નિર્ણય નોંધપાત્ર રહ્યો છે. હવે આ મહાનગરપાલિકા નવા નામથી ઓળખાશે – કરમસદ-આણંદ મહાનગરપાલિકા. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી કે, આ નિર્ણય માટે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પુણ્યભૂમિ કરમસદની વિશિષ્ટ ઓળખ જાળવી રાખવી એ મુખ્ય હેતુ રહ્યો છે.
કરમસદના ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સ્થાનિક સંસ્થાઓ અને રહેવાસીઓ તરફથી આ વિશે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આણંદ મહાનગરપાલિકા નવું નામ અપાયો છે જેથી સરદાર પટેલનું ઐતિહાસિક વારસો સાચવી શકાય. મહત્વનું છે કે 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને આણંદ, કરમસદ, વલ્લભવિદ્યાનગર નગરપાલિકાઓ અને આસપાસના કેટલાક ગામડાઓને એકત્રીત કરીને આણંદ મહાનગરપાલિકા બનાવવામાં આવી હતી.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અભિયાન હેઠળ 2025માં કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવી છે જેથી નાગરિકોને વધુ સુવિધાઓ, વિકાસના સાધનો અને ઢાંચાકીય વ્યવસ્થાઓ પ્રાપ્ત થાય.
નવી રીતે સ્વીકૃત મહાનગરપાલિકાઓમાં સામેલ શહેરો છે:
- નવસારી
- ગાંધીધામ
- મોરબી
- વાપી
- કરમસદ-આણંદ
- મહેસાણા
- સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ
- નડિયાદ
- પોરબંદર-છાયા
આ નિર્ણયોથી રાજ્યના શહેરી વિસ્તારોમાં વિકાસની ગતિ વધારે ઝડપથી આગળ વધવાની છે અને સ્થાનિક લોકોના જીવનમાં સુવિધા અને સુખાકારીના નવા આયામો ઉદ્દભવશે.