અયોધ્યાની પવિત્ર ભૂમિ ફરી એકવાર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું સાક્ષી બનવા જઈ રહી છે. પાંચમી જૂને રામ મંદિરમાં એકસાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. પાંચમી જૂને ગુરુવાર છે અને આ દિવસે ગંગા દશેરાનો તહેવાર છે, તેથી ગંગા દશેરાના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 14 મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એકસાથે યોજાશે.
ત્રણથી પાંચ જૂન સુધી યોજાશે મહોત્સવ
પ્રાણ પ્રતિષ્ઠાના ક્રમમાં સૌપ્રથમ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. રામ જન્મભૂમિ સંકુલમાં શ્રી રામની સાથે શિવની પણ પૂજા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રૂપરેખા તૈયાર થઈ રહી છે. આ મહોત્સવ ત્રણથી પાંચ જૂન સુધી યોજાશે. જોકે, પૂજાની વિધિ 30 મેથી શરૂ થશે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 101 આચાર્યો પ્રાણ પ્રતિષ્ઠા કરશે.
30 મેએ શિવલિંગનો અભિષેક
30 મેએ પરકોટાના શિવ મંદિરમાં શિવલિંગનો અભિષેક કરવામાં આવશે. શિવલિંગના અભિષેક માટે શિવ વાસ જરૂરી છે, તેથી આ દિવસે શિવજીનો વાસ રહેશે અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ ગંગા દશેરા પર 13 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે.
આ મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા
- પરકોટાના છ મંદિરો – ભગવાન શિવ, સૂર્ય, ગણપતિ, હનુમાન, માતા ભગવતી, માતા અન્નપૂર્ણા
- સપ્ત મંડપમના સાત મંદિરો – મહર્ષિ વશિષ્ઠ, વાલ્મીકિ, અગસ્ત્ય, વિશ્વામિત્ર, અહિલ્યા, શબરી, નિષાદરાજ
- શેષાવતાર મંદિરમાં ભગવાન લક્ષ્મણની મૂર્તિ
સાત દિવસ ઉજવાશે અનુષ્ઠાન કાર્યક્રમ
સાત દિવસીય અનુષ્ઠાન કાર્યક્રમ દરમિયાન પંચાંગ પૂજન, વેદ પૂજા, યજ્ઞ મંડપ પૂજન, અગ્નિ સ્થાપના, જલયાત્રા કરવામાં આવશે. આ ધાર્મિક વિધિની શરૂઆત યજ્ઞ મંડપ પૂજાથી થશે. ત્યારબાદ જલાધિવાસ, ઔષધિવાસ સહિત અન્ય અધિવાસ કરાશે. આ દરમિયાન વૈદિક આચાર્યો વિવિધ મંત્રોના જાપ, વાલ્મીકિ રામાયણનું પાઠ, ચારેય વેદોનું પાઠ, રામચરિત માનસનું પાઠ વગેરે સહિત વિવિધ ધાર્મિક વિધિઓ કરશે. મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના માટે આરસપહાણના પથ્થરથી બનેલા બે ફૂટ ઊંચા સિંહાસન પણ બનાવાયા છે. આ સિંહાસન પર દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.