ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની ગયો છે. રણ વિસ્તારમાં કુદરતી રીતે બનતી ખારીઓ ભૂમિ અને પાણીના તળાવોના કારણે સુરખાબ માટે આ વિસ્તાર આદર્શ નિવાસસ્થાન સાબિત થાય છે. અહીં ગ્રેટર અને લેસર ફ્લેમિંગોની મોટી વસાહત વર્ષોથી જોવા મળે છે, જ્યાં તેઓ ઈંડાં મૂકે છે અને પોતાના બચ્ચાં ઉછેરે છે. કચ્છનો આ વિસ્તાર મધ્ય એશિયન ફ્લાય વેનો મહત્વપૂર્ણ ભાગ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મુખ્ય માર્ગ તરીકે ઓળખાય છે. શિયાળાની ઋતુમાં હજારો-લાખો ફ્લેમિંગો અહીં પહોંચે છે, જેના કારણે રણનું દૃશ્ય અદભૂત અને નયનરમ્ય બની જાય છે.
કચ્છના નાના અને મોટા રણમાં ફ્લેમિંગો માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઉપલબ્ધ હોવાથી તેમની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળે છે. એશિયાની એકમાત્ર “ફ્લેમિંગો સિટી” તરીકે ઓળખાતું આ અભ્યારણ્ય 7,506.22 ચો.કીમી વિસ્તારમાં ફેલાયેલું છે અને રાજ્યનું સૌથી મોટું અભ્યારણ્ય ગણાય છે. પાંચ વર્ષ પહેલાં અહીં લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધાયા હતા, જ્યારે છેલ્લા વર્ષે આ સંખ્યા વધીને 3 થી 4 લાખ સુધી પહોંચી હતી. હાલના મોસમમાં પણ ફ્લેમિંગોની સંખ્યામાં આવી જ વૃદ્ધિ જોવા મળશે એવી પૂરી સંભાવના છે. હાલમાં રણમાં ફ્લેમિંગોના આગમનથી અદ્ભૂત કુદરતી નજારો જોવા મળી રહ્યો છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે અને કચ્છના પર્યાવરણની સમૃદ્ધિ દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel