Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા

નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા

આગામી 07 મે, 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવિધ સમુદાયો દ્વારા અવશ્ય મતદાન માટે શપથ લેવામાં આવી રહ્યા છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદ પીજ-ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડાના કિન્નર સમુદાયના સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ પ્રકારના ભેદવાવ રહિત, પ્રલોભન રહિત અન નિર્ભયતાપુર્ણ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદ પીજ-ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડામાં અંદાજિત એકસો થી વધુ કિન્નરો રહે છે. ત્યારે મતદાન જાગૃતિની કિન્નર સમાજની આ પહેલાંનું અનેકગણું મહત્વ વધી જાય છે.

આ પ્રસંગે કિન્નર આગેવાન શબનમકુંવરે જણાવ્યું હતું કે મતદાન આપણી પવિત્ર ફરજ છે. કિન્નર સમુદાય પણ સમાજનો એક અભિન્ન અંગ છે. માટે લોકતાંત્રિક પરંપરાઓની જાળવણી કરવા હેતુ અમે સૌ અચૂક મતદાન કરીશું.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને ‘અન્ય જાતિ’ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ત્યારે અન્ય જાતિ એટલે કે થર્ડ જેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીને ખેડા જિલ્લાનો કિન્નર સમુદાય પણ ભારતીય નાગરિક તરીકેની ફરજ બજાવવા કટીબદ્ધ થયો છે.

નોંધનીય છે કે ખેડા લોકસભા મતવિસ્તારના કુલ 19,91,968 મતદારોમાં કુલ 101 અન્ય જાતિના મતદાતાઓ નોંધાયેલ છે. જેમાં નડિયાદ શહેર 53 અન્ય જાતિનાં મતદાતાઓ સાથે મોખરે છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2014માં ખેડા લોકસભા મતવિસ્તારના કુલ 17 અન્ય જાતિના મતદાતાઓમાંથી ફક્ત એક જ મતદાતાએ મતદાન કર્યું હતું. જ્યારે લોકસભા સામાન્ય ચૂંટણી 2019માં ખેડા લોકસભા મતવિસ્તારના કુલ 72 અન્ય જાતિના મતદાતાઓમાંથી 30 મતદાતાઓએ મતદાન કર્યું હતું. ત્યારે ખેડા ચૂંટણી તંત્ર અન્ય જાતિના મતદાતાઓ, પ્રથમ વખત મતદાન કરતા મતદારો, યુવા મતદારો, મહિલા મતદારો, સીનિયર સીટીઝન મતદારો, દિવ્યાંગ મતદારો સહિત સૌ મતદાતાઓ અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાય તેવી અપીલ કરે છે.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.