આણંદના ઓડ શહેર ખાતે મંગળવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભાજપ કાર્યકરો તેમજ નગરજનો દ્વારા ઉષ્માભેર રથનું સ્વાગત કરાયું
છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભ અને યોજનાકીય માહિતી પહોંચાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે ઓડ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ રાવલજીએ ઉપસ્થિત નગરવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો ઘર આંગણેથી જ લાભ લેવા અનુરોધ કરીને જણાવ્યું હતું કે, દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાના ઉદ્દેશથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી લોકોને સરકારની વિવિધ યોજનાના લાભો તેમના ગામ-વોર્ડ ખાતે મળી રહ્યા છે.
ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે જણાવ્યુ કે આયુષ્માન ભારત યોજના થકી લોકોને રૂપિયા ૧૦ લાખના આરોગ્ય કવચની ગેરેન્ટી ઉપરાંત ઘર ઘર સુધી પાણી, વીજળી સહિતની સુવિધાઓ પહોંચી છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ઉજ્જવલા યોજનાના કારણે માતા-બહેનોને ધુમાડામાંથી મુક્તિ મળી છે.
આ કાર્યક્રમમાં સરકારીની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ, રામતવીરોનું સન્માન તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો પ્રતિભાવ સ્વરૂપે રજૂ કર્યા હતા.ઓડ કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા ફેલાવતું “ધરતી કહે પુકાર કે” નાટક રજુ કર્યું હતું.
આ પ્રસંગે ઓડનગર પાલિકા ચીફ ઓફિસર એસ.એમ.અંસારી,વહીવટદાર એન.પી પારેખ,અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.