ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત છે.
પશુપાલક દૂધ ઉત્પાદકો અને સરકાર તથા સંબંધિત સહકારી સંસ્થાઓનાં સહયોગ સાથે ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ( સર્વોત્તમ ડેરી ) રાજ્યમાં અગ્ર સ્થાને રહેલ છે.
સિહોર પાસેનાં સર ગામે દૂધ સંઘનાં એકમ ઉપર યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત છે. આજથી શરૂ થયેલ રજત જયંતિ વર્ષ દરમિયાન વિવિધ સહકારી, સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોની તેમણે વાત કરી. આ સંઘ તળાજા તાલુકાનાં એક ગામમાં શરૂ થઈ પશુપાલકોના સહકાર સત્યે ૨૫ વર્ષમાં આજે ૬૯૦ ગામોની મંડળીઓની વિરાટ સંસ્થા બન્યાનો આણંદ તેઓએ વ્યક્ત કર્યો. તેમણે સરકાર તથા અમૂલ સંસ્થાનો પણ સહયોગ રહ્યાનું જણાવ્યું.
સંઘનાં સ્થાપના સાથે રહેલાં વડા હરિભાઈ જોષીએ પ્રારભે વાત કરતાં જણાવ્યું કે, છેલ્લે ૧૦ કરોડ લિટર દૂધ એકત્ર થયાં બાદ આગામી વર્ષે ૧૨ કરોડ લિટર દૂધનો લક્ષ્યાંક પૂર્ણ થવાનો આપણો સૌનો નિર્ધાર છે. તેમણે વર્ષભરમાં થનાર કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો.
ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ( સર્વોત્તમ ડેરી ) સિહોરનાં રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભે સંઘ અગ્રણીઓ અને અધિકારીઓ મહાનુભાઓનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.
આ કાર્યકમાં અધિકારી જયંત મહેતા સહિત મહેમાન અધિકારીઓએ પ્રાસંગિક વાત કરી આ સંસ્થાની પ્રગતિ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી.
પ્રારંભે માવજીભાઈ ભાલિયાએ સ્વાગત ઉદ્બોધન કરેલ જ્યારે આભાર વિધિ મૂળરાજભાઈ પરમારે કરી હતી. કાર્યક્રમ સંચાલનમાં યોગેશભાઈ જોષી રહેલ.
ભાવનગર જિલ્લા દૂધ સંઘ સાથે જોડાયેલ મંડળીનાં હોદ્દેદારો અને સભાસદો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)