કેન્દ્ર સરકારે અમરનાથ યાત્રા જનારા શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે, ઉપરાંત છેક ગુફા સુધી વાહનો જઈ શકે તે રીતે પહાડી માર્ગને પહોળો કરાતા મોટી રાહત થઈ છે. ભારતીય સેના નું બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) છેક અમરનાથ ગુફા સુધી વાહનોનો કાફલો લઈ ગઈ હોવાની તસવીરો પણ સામે આવી છે. અમરનાથ ગુફા સુધી વાહનો પહોંચ્યા હોય તેવું પ્રથમવાર બન્યું છે. મીડિયા અહેવાલો મુજબ પવિત્ર અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
PDPનો ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબતનો વિરોધ
જોકે મહેબુબા મુફ્તીની પાર્ટીના PDP પ્રમુખ અમરનાથ ગુફા સુધી રોડ પહોળો કરવાની બાબતનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બાબતને પ્રકૃતિ વિરુદ્ધની ગણાવી છે. પીડીપી પ્રવક્તાએ કહ્યું કે, ‘આ હિન્દુ ધર્મ અને પ્રકૃતિમાં આસ્થા વિરુદ્ધ સૌથી મોટો અપરાધ છે. હિન્દુ ધર્મ સંપૂર્ણ આધ્યત્મિક અને પ્રકૃતિ સાથે જોડાયેલી છે. પીડીપીએ તેને વિનાશ અને હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ કહી ટીકા કરી છે.’
https://twitter.com/buttkout/status/1721478721515987
‘રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાપાત્ર’
પીડીપી પ્રવક્તા મોહિત ભાને એક્સ (Twitter) પર લખ્યું કે, ‘હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટો અપરાધ થયો છે. આ ધર્મ આપણને પ્રકૃતિમાં લીન કરી દે છે. આ જ કારણે આપણાં પવિત્ર સ્થળો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોર્ટ બનાવવા નિંદાનો વિષય છે. આપણે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે, તેમ છતાં આમાંથી કંઈપણ શીખતા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છે.’
પીડીપી પ્રવક્તાની ટીકાનો વળતો જવાબ આપી જમ્મુ-કાશ્મીર BJPએ કહ્યું કે, લોકો સમજદાર છે, તેઓ છેતરપિંડીના રાજકારણનો શિકાર નહીં બને. ભાજપે એક્સ પર લખ્યું છે કે, પીડીપી વિરોધ કરી અને રોડ બાંધકામમાં ખામીઓ શોધી 2008ના જમીન વિવાદને ફરી ચગાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે લોકો ઘણા સમજદાર છે અને તેઓ ફરી રાજકીય છેતરપિંડીનો શિકાર નહીં બને.