ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હતી.
આ તિરંગા યાત્રા ગાંધી ચોકથી શરૂ થઈ, સંતોષ ચોકડી, સફેદ ટાવર અને કાલાઘોડા માર્ગે આગળ વધી, અંતે સંગઠનના કાર્યાલય ખાતે સમાપ્ત થઈ. યાત્રામાં જીલ્લા ભાજપા અધ્યક્ષ નીલકુમાર રાવ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, સહિત અનેક જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
યાત્રા દરમિયાન રાજપીપળા નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. નાગરિકોના હાથમાં તિરંગો અને હૃદયમાં ભારતીય સેના પ્રત્યેનો ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. આ યાત્રા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ભારતીય સેનાની કાર્યવાહીની સફળતાની ઉજવણીનો એક ભાગ હતી, જેના દ્વારા દેશની એકતા અને સેનાની બહાદુરીને વંદન કરવામાં આવ્યું.
નર્મદા જિલ્લાના રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ આ યાત્રામાં અતુલ્ય ઉર્જા અને ઉમંગ સાથે ભાગ લીધો, જેને કારણે આ યાત્રા સફળ અને સ્મરણીય બની. નાગરિકોના સહયોગ અને દેશપ્રેમની ભાવનાને બિરદાવતાં આયોજકોએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
“તિરંગાની શાન, સેના નું માન” – આ ઉદ્ઘોષ સાથે નર્મદા જિલ્લાની ધરતી પર લહેરાયેલો તિરંગો દેશની એકતા અને ગૌરવનું પ્રતીક બન્યો.