આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો ૧૯૩મો સમાધિ મહોત્સવ ભકિતભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. મહાપૂર્ણિમાના અવસરે મહારાજશ્રીએ જીવિત સમાધિ લીધી હતી અને આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી.
મહાસુદ પૂનમે નડિયાદમાં ભરાતો લોકમેળો ખુબજ પ્રખ્યાત છે. અહીયા આ મેળામાં પાથરણાવાળા સહિત નાના ધંધાર્થીઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી આવી મેળામાં કમાણી કરે છે. ત્રી દિવસ ભરાતો આ મેળાની રંગત કઈક અનોખી હોય છે. આ મેળાનો પ્રારંભ થયો છે ત્યારે શનિવારે હોવાથી આજે આ લોકમેળામાં જ્યાં નજર પહોંચે ત્યાં ભીડ જ ભીડ જોવા મળી રહી હતી. નાની મોટી ચગડોળો સહિત લારી, પાથરણાવાળા અને અવનવી વસ્તુઓના સ્ટોલો ઊભા કરાયા છે.
નડિયાદમાં ચાલતા આ પરંપરાગત લોકમેળામાં રાતનો નજારો પણ અનેરો છે, આજે માઘી પૂર્ણીમાના દિવસે સમી સાંજે સંતરામ મંદિરમાં દિવ્ય સાકરવર્ષા કરાઈ હતી.
પ્રાતઃ સ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ મહોત્સવ મહાસુદ પૂર્ણિમા – સાકર વર્ષા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સૌની સુખાકારી અને સૌના નિરોગી દીર્ઘાયુ જીવનની પ્રાર્થના કરી હતી.