નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) અને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા જેની ગણના ગુજરાતની શ્રેષ્ઠ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવેશ કરવામાં આવેલ છે તેવી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) નો 13 મો પદવીદાન સમારોહ 6 જાન્યુઆરી, 2024 ના રોજ કેમ્પસમાં યોજાયો હતો. સમારોહના મુખ્ય અતિથી તરીકે ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા વિભાગોના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રઘાન ઉપસ્થિત રહ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં કુલ 2728 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને 44 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં 23 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ હતા. જ્યારે કુલ 44 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થઇ હતી.
યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાર્મસીના 158, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 323, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 304, ફેકલ્ટી ઓફ સાયન્સના 297, ફેકલ્ટી ઓફ કોમ્પુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ 516, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1130 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ડિપ્લોમા 34, પોસ્ટ ગ્રેજયુએટ 628, અંડર ગ્રેજયુએટ 2021 અને પી. એચ. ડી. 44 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.
ઉલ્લેખનીય છે કે ચારૂસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 13 પદવીદાન સમારંભમાં 400 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. આ પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના 44 ગોલ્ડમેડલ આપવામાં આવ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)