સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. અમેરિકન મૂળની કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા 22 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ હજારો લોકોને રોજગાર મળશે.
મળતી માહિતી અનુસાર, સાણંદમાં આકાર લઇ રહેલા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે જ શરૂ થશે અને વર્ષ 2024ના અંત સુધીમાં પ્લાન્ટ કાર્યરત થવાનું શરૂ થશે. આ પ્રોજેક્ટ આગામી કેટલાંક વર્ષોમાં 5,000 નવી ડાયરેક્ટ માઇક્રોન નોકરીઓ અને 15,000થી પણ વધુ લોકો માટે રોજગારનું સાધન બનશે તેવી કંપનીને આશા છે. આ પ્લાન્ટ દેશનો પ્રથમ સેમીકંડક્ટર પ્લાન્ટ છે. માઈક્રોન અમેરિકાની કૉમ્પ્યુટર સ્ટોરેજ ચિપ મેન્યુફેક્ચરર કંપની છે. જે આ પ્લાન્ટમાં 825 મિલિયન ડોલરનું રોકાણ કરશે. ફન્ડિંગનો બાકીનો હિસ્સો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફાળવશે.
આ પ્લાન્ટના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “આજે ગુજરાતના સાણંદમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ખૂબ જ ગૌરવ અને હર્ષની વાત છે કે વડાપ્રધાન મોદીનું જે સ્વપ્ન છે કે ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવું તેના તરફ આ એક ખૂબ મહત્વપૂર્ણ પગલું છે. જોકે ભારત પહેલેથી સેમીકન્ડક્ટરનું ડિઝાઇન હબ તો પહેલેથી છે જ.”
#WATCH | Gujarat: Union Minister for Electronics & Information Technology Ashwini Vaishnaw says, "Today 'Bhoomi Pujan' of the first semiconductor plant was held…This is an important step in PM's vision… The construction of the plant will be soon completed and the first… pic.twitter.com/hg8NdaFUpv
— ANI (@ANI) September 23, 2023
આ પ્લાન્ટથી દેશમાં શું ફાયદો થશે તે બાબતે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ માટે દેશમાં એક મોમેન્ટમ બન્યું છે, તેમાં સેમીકન્ડક્ટર એક ફાઉન્ડેશનલ મટિરીયલ છે. મોબાઈલ, ફ્રિજ, એસી, કાર, ટ્રેન અને પ્લેનમાં આ સેમીકન્ડક્ટર ચીપ વપરાય છે. આ તમામનું પ્રોડક્શન ભારતમાં થવા માંડશે. આગામી થોડા જ મહિનાઓમાં આ પ્લાન્ટ બનીને તૈયાર થઇ જશે અને આ જ જગ્યાએથી દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપ તૈયાર થશે.”
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “આ સમગ્ર સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ સુવિધા ચોક્કસપણે તે સેમી કન્ડક્ટર વિઝનના ખૂબ જ મહત્વપૂર્ણ ભાગનું પ્રતિનિધિત્વ કરશે જે વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2021માં રજૂ કર્યું હતું.”