કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2014 થી 2024 દરમિયાન દેશમાં કુલ 17.1 કરોડ નોકરીઓનું સર્જન થયું છે, જેમાંથી 4.6 કરોડ નોકરીઓ ફક્ત છેલ્લા એક વર્ષમાં જ ઉમેરવામાં આવી છે. તેમણે આ માહિતી બજેટ પછીના વેબિનાર દરમિયાન આપી હતી. મંત્રીએ નોંધ્યું કે બેરોજગારી દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે 2017-18માં 6 %હતો, જે હવે 2023-24માં ઘટીને 3.2 % થવાનો અંદાજ છે.
‘સરકારી નીતિઓ દેશના કાર્યબળને સશક્ત બનાવી રહી છે‘
તેમણે મહિલા રોજગારમાં થયેલા વધારા વિશે પણ વાત કરી, જે આ જ સમયગાળા દરમિયાન 22 %થી વધીને 40.3 %થયો છે. મનસુખ માંડવિયાએ આ સિદ્ધિઓનો શ્રેય સરકારની પ્રગતિશીલ નીતિઓને આપ્યો, જે દેશના કાર્યબળને સશક્ત બનાવી રહી છે.
મંત્રીશ્રીએ વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલનો ઉલ્લેખ કર્યો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ સરકારની સામાજિક સુરક્ષા પહેલોની અસર પર પણ પ્રકાશ પાડ્યો. ILO ના 2024-26 ના વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે ભારતમાં સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી વધીને 48.8 % થયું છે. તેમણે ઈ-શ્રમ પોર્ટલના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો, જેના કારણે 30.67 કરોડ અસંગઠિત કામદારો ઉમેરાયા છે. આ ઉપરાંત, સરકારે પીએમજેએવાય હેઠળ ગિગ વર્કર્સનો પણ સમાવેશ કર્યો છે.
‘10 નવી ESIC મેડિકલ કોલેજોને મંજૂરી‘
મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે સરકારે કામદારોના પરિવારો માટે 10 નવી ESIC મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે, અને 10 વધુ કોલેજોનું આયોજન છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત તેના લોકોમાં રોકાણ કરી રહ્યું છે, એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યું છે, જે ભવિષ્યની પેઢીઓ માટે લાંબા ગાળાના લાભો સુનિશ્ચિત કરશે.
આ દરમિયાન શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરાએ EPFO ના આધુનિકીકરણ, ઈ-શ્રમ અને રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલની પ્રગતિ અને મહિલા કામદારોને સશક્ત બનાવવાના પગલાં અંગે પણ ચર્ચા કરી. દાવરાએ ESIC ના વિસ્તરણ – 2014 માં 2.03 કરોડ વીમાધારક વ્યક્તિઓથી 2024 માં 3.72 કરોડ – અને 165 હોસ્પિટલો અને 1,590 દવાખાનાઓના વધતા આરોગ્યસંભાળ નેટવર્ક પર પણ પ્રકાશ પાડ્યો.