નર્મદા:
ડેડીયાપાડા વિસ્તારમાં ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. ડેડીયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો વધુ તેજ બની ગયો છે. આ ઘટનાને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે મહત્વપૂર્ણ આંચકો માનવામાં આવી રહ્યો છે.
રાજેન્દ્ર વસાવાએ પોતાના રાજીનામા પત્રમાં પક્ષમાં થતી અવગણના અને સતત બાદબાકી થતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે પ્રમુખ તરીકે હોવા છતાં તેમને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ કરવામાં આવતા નહોતા અને તેમના મંતવ્યોને અવગણવામાં આવતા હતા.

તેમણે જણાવ્યું કે તેઓએ 2012થી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે અને તાલુકા તેમજ બૂથ સ્તર સુધી પાર્ટી મજબૂત બનાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. તેમ છતાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પ્રક્રિયા કે સંગઠનના નિર્ણયો દરમિયાન તેમની સાથે ન્યાય ન થયો હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી છે.
રાજીનામામાં તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી અને ચૂંટણી સંબંધિત મહત્વના નિર્ણયોમાં તેમની અવગણના કરવામાં આવી છે. સતત અવગણનાને કારણે તેમણે પાર્ટીના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા વિસ્તારમાં અગાઉ પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ રાજીનામા આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં રાજેન્દ્ર વસાવાનું રાજીનામું પક્ષ માટે સંગઠનાત્મક રીતે નુકસાનકારક બની શકે છે.
ચૂંટણી વચ્ચે થયેલી આ ઘટના ડેડીયાપાડા તાલુકાની રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આ રાજીનામાનો આવનારી ચૂંટણી પર કેટલો પ્રભાવ પડે છે.
શૈશવ રાવ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel