પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠક પણ જીતશે કે કેમ તેવી શંકા વ્યક્ત કરી છે. શુક્રવારે મમતાએ આ શંકા વ્યક્ત કરી હતી. મુખ્યપ્રધાન મમતા બેનરજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળની ચૂંટણી એકલે હાથે લડી લેવા નિર્ણય લીધો છે.
તૃણમૂલ કોંગ્રેસના આ નિર્ણયથી વિરોધપક્ષના ગઠબંધન ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. મમતાએ ફરી કોંગ્રેસને પોતાના ભવાં બતાવવાનું શરૂ કરી દીધું છે. બંગાળના મુર્શિદાબાદ ખાતે જાહેર સભાને સંબોધતાં તૃણમૂલ કોંગ્રેસના વડાએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “મને ખબર નથી કે કોંગ્રેસ આ વખતે ૩૦૦માંથી ૪૦ બેઠક પણ જીતશે કે કેમ ? તો પછી આટલો અહંકાર શા માટે? તમે બંગાળ આવ્યા પરંતુ મને જાણ પણ ના કરી. અમે તો ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છીએ. તમારામાં હિંમત હોય તો વારાણસીમાં ભાજપને હરાવીને બતાવો.’