અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા અંદાજે 50 લાખથી વધારે છે. વિદેશી ધરતી પર રહેતા ભારતીયો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે દિવાળીથી લઈ હોળી જેવા ભારતીય તહેવારો ખૂબ જ આત્મીયતા સાથે વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. પરંતુ ભારતીયો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે દિવાળીના દિવસે અમેરિકામાં પણ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવવી જોઈએ.
પેન્સિલવેનિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું
અમેરિકાના કેટલાક રાજ્યોમાં દિવાળીના દિવસે રજા હોય છે. ન્યુયોર્ક અને ન્યુ જર્સીમાં શાળાઓમાં રજા રાખવામાં આવે છે. દિવાળીની સત્તાવાર રજા જાહેર કરનાર પેન્સિલવેનિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું હતું. આ પછી ન્યુયોર્ક શહેરમાં પણ દિવાળીના દિવસે રજા જાહેર કરવામાં આવી છે.
અમેરિકામાં દિવાળી ડે એક્ટ 2021માં સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય સમગ્ર અમેરીકા દેશમાં દિવાળીને રાષ્ટ્રિય રજા તરીકે જાહેર કરવાનો હતો. અત્યાર સુધી અમેરિકાના ઘણા રાજ્યોમાં દિવાળી પર રજા રાખવામાં આવે છે પરંતુ તે વૈકલ્પિક છે. તેને નેશનલ હોલીડેમાં ફેરવવામાં આવે તેવી માંગ છે.
ભારતીયોની માગ વાજબી
યુએસમાં અંદાજે 2.35 કરોડ લોકો એશિયન છે. તેમાં સૌથી વધુ 52 લાખ નાગરિકો ચીની મૂળના છે, જ્યારે ભારતીયો બીજા ક્રમે છે. અમેરિકામાં ભારતીયોની વસ્તી અંદાજે 48 લાખ છે. તેમની વચ્ચે 16 લાખથી વધુ વિઝા ધારકો છે. જ્યારે અમેરિકામાં જન્મેલા 10 લાખથી વધુ લોકો છે. આવી સ્થિતિમાં આપણે ભારતીયોની માંગ વાજબી છે કે દિવાળીને ફરજિયાત રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવવી જોઈએ.
દિવાળીને યુએસમાં ઓળખ મળી
2003માં તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં પ્રથમ વખત દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ 2007માં પહેલીવાર અમેરિકન સરકારે દિવાળીને તહેવાર તરીકે માન્યતા આપી છે. 2007થી દિવાળી અમેરિકામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
મંત્રોનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો
અગાઉ અમેરિકન રાજ્ય મિનેસોટામાં પહેલીવાર દિવાળીનો કાર્યક્રમ યોજ્યો હતો. મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ અને લેફ્ટનન્ટ ગવર્નર પેગી ફ્લાનિગને પણ આ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમેરિકામાં બિનનિવાસી ભારતીયોની સંસ્થા એસોસિયેશન ઓફ ઈન્ડિયન્સ ઈન અમેરિકા (AIA)ના સહયોગથી આયોજિત દિવાળી કાર્યક્રમની શરૂઆત શાંતિ મંત્રોથી થઈ હતી. આ મંત્રોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો.