જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ, નાગરિક જિલ્લા પુરવઠા સમિતિ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન થયું હતું. જિલ્લા કલેકટરએ આ બેઠકમાં તમામ વિભાગોને આઉટસોર્સથી નિયુક્ત કરેલા કર્મચારીઓના પગારમાં કપાત ના થાય અને તેમનું વેતન પૂરેપૂરું ચૂકવાય તેની ખાસ તકેદારી રાખવા ફરીથી સૂચના આપી હતી.
આ બેઠક અંતર્ગત અનાજ અને પુરવઠો, જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ, રોડ રસ્તાઓનું સમારકામ અને પડતર અરજીઓના નિકાલ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નડિયાદ સિંચાઈ વિભાગ દ્વારા જળ શક્તિ અભિયાન વિષયક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં જળસંગ્રહ કરતી જળ સંચાર સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી.
દિવાળીના તહેવારને ધ્યાને રાખીને અનાજનો જથ્થો તમામ જરૂરિયાતમંદ સુધી સમયસર પહોંચી જાય તે અંગે કલેક્ટર દ્વારા વિશેષ સુચના આપવામાં આવી હતી. વધુમાં અનાજના જથ્થામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના સર્જાય તેની ખાસ તકેદારી રાખવા પણ કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, રાજેશભાઈ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.